VIDEO: કર્ણાટકના જંગલની ગુફામાં બે દીકરી સાથે રહેતી રશિયન મહિલા ઝડપાઈ, કહ્યું- ‘પ્રાણીઓથી નહીં, માણસોથી ડર લાગતો હતો’
Russian woman found with kids in Karnataka cave: જંગલમાં રહીને મોટા થયેલા કાલ્પનિક પાત્ર ટારઝન વિશે તો આપણે જાણીએ છીએ, પણ શું કોઈ વ્યક્તિ માટે ઘનઘોર જંગલમાં રહેવું શક્ય છે. તાજેતરમાં કર્ણાટક રાજ્યના ગોકર્ણ પાસેના જંગલની ગુફામાંથી મળી આવેલી એક રશિયન મહિલાની કહાની સાંભળીને તો માનવું પડે કે જંગલમાં રહેવું પણ શક્ય છે. અલબત્ત, જંગલી જાનવરો અને ઝેરી સાપથી ભરપૂર વિસ્તારમાં આ મહિલા સાથે તેની બે નાની દીકરી પણ ગુફામાં રહેતી હતી, જે વધુ ચોંકાવનારી બાબત છે.
કઈ રીતે જંગલવાસી મહિલાની ભાળ મળી?
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના જંગલ વિસ્તારમાં રામતીર્થ ટેકરીઓ આવેલી છે. આ વિસ્તારમાં છાશવારે ભૂસ્ખલન થતું રહે છે. તેથી 9 જુલાઈના રોજ સ્થાનિક પોલીસની ટીમ એ વિસ્તારની તપાસ કરી રહી હતી, જે દરમિયાન તેમને એક જગ્યાએ મહિલાના કપડાં લટકતાં જોવા મળ્યા હતા. નવાઈ પામેલી પોલીસે આગળ વધીને તપાસ કરતાં એમને જાણવા મળ્યું કે કપડાં લટકતાં હતાં તેની નજીક એક ગુફા હતી, જેની અંદર એક વિદેશી મહિલા તેની બે દીકરી સાથે રહેતી હતી.
પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એ 40 વર્ષીય રશિયન મહિલાનું નામ નીના કુટિના છે અને તેની બે પુત્રીઓ પ્રેયા અને એમા અનુક્રમે 6 અને 4 વર્ષની છે. આટલી નાની દીકરીઓ સાથે આવી જોખમી જગ્યાએ રહેતી મહિલાને જોઈને પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
કયા કારણસર નીના જંગલવાસી બની ગઈ હતી?
પોલીસ તપાસમાં નીનાએ કહ્યું હતું કે, ‘હું વર્ષ 2016 માં બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. મારા વિઝા અને પાસપોર્ટ અકસ્માતે ખોવાઈ જતાં હું રશિયા પાછી નહોતી જઈ શકી, તેથી હું મારી બે દીકરી સાથે ગોવાથી કર્ણાટક આવી ગઈ હતી.’
અલબત્ત, નીના જૂઠું બોલી રહી હોવાનું તરત જ સાબિત થઈ ગયું કારણ કે, ગુફાની આસપાસ તપાસ કરતા તેનો વિઝા અને પાસપોર્ટ પણ મળી ગયા. આ વિઝા 2017માં જ સમાપ્ત થઈ ગયો હતો અને ત્યારથી તે ભારતમાં ગેરકાયદે રહેતી હતી.
શ્રીકૃષ્ણની તપસ્યા કરી રહી હોવાનો દાવો
પોલીસ ગુફામાં પહોંચી ત્યારે નીના ગુફામાં પ્રાર્થના કરી રહી હતી. ગુફામાંથી પાંડુરંગ વિઠ્ઠલની મૂર્તિ પણ મળી આવી. જ્યારે પોલીસે પૂછ્યું કે, આવી જોખમી જગ્યાએ તમે બે દીકરી સાથે કઈ રીતે રહી શકો છો? ત્યારે નીનાએ પોલીસને કહ્યું હતું કે, ‘ભગવાન કૃષ્ણે મને ધ્યાન અને ભક્તિ કરવા માટે અહીં મોકલી છે અને અહીં રહીને હું તેમની તપસ્યા કરી રહી છું.’
જંગલમાં શું ખાતા હતાં?
નીના તેની દીકરીઓને લઈને લગભગ બે અઠવાડિયા અગાઉ જંગલમાં પહોંચી હતી, જ્યાં તેમણે એક ગુફાને પોતાનું ઘર બનાવી લીધું હતું. નીના પોતાની સાથે થોડાં શાકભાજી અને રાશન લઈ ગઈ હતી. ભોજન બનાવવા તે જંગલના લાકડાનો ઉપયોગ કરતી હતી. પોલીસને ગુફાની બહાર નૂડલ્સ અને સલાડના પેકેટ મળી આવ્યા હતા.
ખેર, નીના જંગલ અને ગુફા છોડીને માનવ વસ્તીમાં આવવા તૈયાર નહોતી. એ વિસ્તારમાં ઝેરી સાપ હતા અને ગમે ત્યારે ભૂસ્ખલન થતું હોવાથી ત્યાં રહેવું કેટલું જોખમી છે એ નીનાને સમજાવતા પોલીસને થોડો સમય લાગ્યો હતો. નીનાનું કહેવું હતું કે, અમને સાપ કે બીજા જાનવરોનો ડર નથી, અમને માણસોનો ડર છે.
દીકરીઓના પિતા વિશે જણાવવાનો નીનાનો ઈનકાર
નીના 18 ઓક્ટોબર, 2016 થી 17 એપ્રિલ, 2017 સુધીના છ મહિનાના બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. ભારતના વિઝા પૂરા થઈ જતાં તે નેપાળ ગઈ હતી અને પછી 8 સપ્ટેમ્બર, 2018 ના રોજ ભારત પરત ફરી હતી. ત્યાર પછી સાડા છ વર્ષ સુધી તે ભારતમાં ગેરકાયદે રહેતી હતી. આ દરમિયાન તેણે બે દીકરીને જન્મ આપ્યો હતો. પોલીસના પૂછવા છતાં દીકરીઓના પિતા વિશે જણાવવાનો નીનાએ ઈનકાર કરી દીધો હતો.
નીનાએ મિત્રને સંદેશ મોકલીને નાખુશી જાહેર કરી
પોલીસને હાથ ઝડપાયા પછી નીનાએ પોતાના મિત્રને વોટ્સએપ પર ભાવનાત્મક સંદેશ લખી મોકલ્યો હતો કે, અમે જંગલમાં જે નિર્મળ જીવનનો આનંદ લેતાં હતાં એનો હવે અંત આવી ગયો છે. હવે અમને એવી જેલ જેવી જગ્યાએ રાખવામાં આવ્યા છે જ્યાં આકાશ નથી, ઘાસ નથી અને વરસાદ પણ નથી. પ્રકૃતિ આપણને ક્યારેય નુકસાન કરતી નથી, જાનવરોનો અમને ભય નહોતો, ભય માત્ર માણસોનો હોય છે. કુદરતના ખોળામાં જીવાતા જીવનને બદલે હવે તેણે માનવ વસતીમાં રહેવું પડે છે. આવો ઊંડો અફસોસ નીના કુટિનાએ તેના મેસેજમાં વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા
નીના અને તેની દીકરીઓનું શું થશે?
નીના અને એની દીકરીઓએ એક આશ્રમ અને બાળ ગૃહમાં રખાયા છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ તેમને રશિયા પરત મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. આશ્રમમાંથી તેમને બેંગલુરુના વિદેશી નાગરિકો માટેના ડિટેન્શન સેન્ટરમાં લાવવામાં આવશે અને પછી રશિયા મોકલી દેવાશે.