Get The App

'ટેન્શન ના લો, તમારા દીકરાને કોઈએ દોષિત નથી ગણાવ્યો..' અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્રીમ કોર્ટે કહ્યું

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
'ટેન્શન ના લો, તમારા દીકરાને કોઈએ દોષિત નથી ગણાવ્યો..' અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્રીમ કોર્ટે કહ્યું 1 - image

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂનના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(DGCA)ને નોટિસ ફટકારીને ન્યાયિક તપાસની માંગ પર જવાબ માંગ્યો છે. કોર્ટે આ નોટિસ દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787 ડ્રીમલાઇનરના પાયલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલની અરજી પર આપી છે.

કોર્ટની મૃતક પાયલટના પિતાને હૂંફ

અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાન્તે મૃતક પાયલટના પિતા પુષ્કરરાજ સભરવાલને સાંત્વના આપતા કહ્યું કે, 'આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તમે ટેન્શન ના લો, તમારા દીકરાને દોષિત ગણવામાં આવ્યો નથી.' કોર્ટે આ ટિપ્પણી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રારંભિક તપાસમાં પાયલટ ઇન કમાન્ડને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. આ મામલે આગામી સુનાવણી 10મી નવેમ્બરે થશે.

ન્યાયિક તપાસની માંગ

મૃતક પાયલટ સુમિત સભરવાલના પિતાએ વિમાન દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી છે. ફેડરેશન ઇઑફ ઈન્ડિયન પાયલટ્સ(FIP)એ પણ આ જ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અફરાતફરી, અમદાવાદ આવતી ઘણી ફ્લાઈટ મોડી પડી

એન્જિનમાં ફ્યુઅલ કટઓફનો પ્રારંભિક રિપોર્ટ

જુલાઈમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ બંને એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ (ફ્યુઅલ કટઓફ) થઈ ગયો હતો.

તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ એક પછી એક કટઓફ થઈ ગઈ હતી, જોકે લગભગ 10 સેકન્ડ પછી સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એન્જિનમાં આગ લાગી ગઈ અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રારંભિક રિપોર્ટ રજૂ થયા બાદ જ મૃતક પાયલટના પિતાએ ન્યાયિક તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

12મી જૂનના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે, 12મી જૂને બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બી. જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.