તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ
Ahmedabad Plane Crash: ભારતીય પાયલટની સંસ્થા, ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)એ ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી છે. FIPનું કહેવું છે કે, આ વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના અકસ્માતને લઈને પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર છાપ્યા હતા. પાયલટોએ આ સમાચારને તુરંત પરત ખેંચવા અને માફી માંગવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, આ વિવાદ 12 જૂને થયેલા એર ઇન્ડિયાના અકસ્માત સાથે જોડાયેલો છે, જેમાં બોઇંગ 787 ડ્રીમલાઇનરની બંને એન્જિનની ફ્યુલ સ્વિચ અચાનક રનથી કટ ઑફ થઈ ગઈ હતી.
AAIBના પ્રારંભિક રિપોર્ટથી વધ્યો તણાવ
AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, અકસ્માતની ઠીક પહેલા વિમાનના કૉકપિટમાં બંને ફ્યુલ સ્વિચ બંધ થઈ ગઈ હતી. કૉકપિટ વૉઇસ રૅકોર્ડિંગમાં સાંભળવા મળ્યું હતું કે, પાયલટે કો-પાયલટને પૂછ્યું કે, ફ્યુલ કેમ બંધ કર્યું? ત્યારબાદ કો-પાયલટે કહ્યું કે, મેં નથી કર્યું. પરંતુ, રિપોર્ટમાં એવી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે, સ્વિચ કોણે બંધ કરી અથવા સ્વિચ બંધ થવા પાછળના કયા કારણો જવાબદાર છે. તેમ છતાં વૉલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીના સૂત્રોને ટાંકીને દાવો કર્યો કે, કૅપ્ટને જાણી જોઈને ફ્યુલ સ્વિચ બંધ કરી દીધી. રૉયટર્સે પણ આવા સમાચાર છાપ્યા હતા, જેમાં કૅપ્ટનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
FIPએ રિપોર્ટને ખોટો કહ્યું
FIPના અધ્યક્ષ કૅપ્ટન સીએસ રંધાવાએ કડક વલણ અપનાવતાં કહ્યું કે, 'AAIBના રિપોર્ટમાં ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે, પાયલટની ભૂલથી ફ્યુલ સ્વિચ બંધ થઈ છે. આ મીડિયા હાઉસે રિપોર્ટને બરાબર વાંચ્યો જ નથી. અમે તેમની સામે કાર્યવાહી કરીશું.' FIP એ બંને સમાચાર એજન્સીઓ પાસે માફીની માંગ કરી છે.
પાયલટ સંગઠનની ચેતવણી
એરલાઇન પાયલટ્સ ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (ALPA-I) જેવા અનેક પાયલટ સંગઠનોએ પણ આ મામલે સતર્કતા જાળવવાની સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી કે, આવી અટકળોવાળી ખબર ભારતીય ઉડ્ડયન પ્રણાલી પરથી જનતાના વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. ALPA-I એ કહ્યું કે, 'કોઈપણ પુરાવા વિના કોઈના પર આંગળી ચીંધવી ખોટું છે. તપાસ હજુ સુધી પૂરી નથી થઈ.'
AAIB એ પણ વિદેશી મીડિયાને આડે હાથ લીધા અને પીડિત પરિવારો પ્રતિ સંવેદનશીલતા રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, તપાસ હજુ સુધી પ્રાથમિક તબક્કામાં છે અને અકસ્માતનું કારણ નક્કી કરવું ઉતાવળ કહેવાશે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ(NTSB)એ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં NTSBના ચેરવુમન જેનિફર હોમેંડીએ કહ્યું કે, 'એર ઇન્ડિયાના અકસ્માત પર હાલની મીડિયા ખબરો ઉતાવળી અને અટકળોથી ભરેલી છે. AAIB એ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. આવી તપાસમાં સમય લાગે છે. અમે AAIBની અપીલનું સમર્થન કરીએ છીએ અને તેમની તપાસમાં સહયોગ ચાલુ રાખીશું.'