Republic Day 2026 History : આજે આખો દેશ હર્ષોલ્લાસ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને લાગુ થયાને આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતને સત્તાવાર રીતે 'પૂર્ણ પ્રજાસત્તાક' જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની 150મી વર્ષગાંઠની થીમ પર આધારિત છે, જેની ભવ્ય ઝલક કર્તવ્ય પથ પરની પરેડમાં જોવા મળશે.
બંધારણ લાગુ કરવામાં 2 મહિનાનો વિલંબ કેમ?
ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ બનીને તૈયાર થઈ ગયું હતું અને તે જ દિવસે બંધારણ સભા દ્વારા તેને અપનાવી લેવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવામાં આવી હતી. આ વિલંબ પાછળનું કારણ આઝાદીની લડત સાથે જોડાયેલું છે.
26 જાન્યુઆરીની તારીખનું ઐતિહાસિક મહત્વ
વાસ્તવમાં, 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે દેશમાં 'પૂર્ણ સ્વરાજ' નો નારો આપ્યો હતો. 19 ડિસેમ્બર 1929ના રોજ લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુએ રાવી નદીના કિનારે તિરંગો લહેરાવીને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગ કરી હતી. તે સમયે નક્કી કરાયું હતું કે જાન્યુઆરીના છેલ્લા રવિવારે (જે 26 જાન્યુઆરી હતી) ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે. આ ઐતિહાસિક તારીખની યાદને અમર રાખવા માટે જ 26 જાન્યુઆરીને બંધારણ લાગુ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.
આ વર્ષના મુખ્ય આકર્ષણ અને અતિથિઓ
77માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ઉપસ્થિત છે. આ વર્ષે પરેડમાં પ્રથમ વખત 'બેટ્રિયન ઊંટ' અને નવી રચાયેલી 'ભૈરવ બટાલિયન' માર્ચ પાસ્ટ કરશે. પરેડમાં દેશના વિવિધ રાજ્યોની ઝાંખીઓ દ્વારા ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે.
બંધારણ દિવસ વિરુદ્ધ પ્રજાસત્તાક દિવસ
નોંધનીય છે કે 26 નવેમ્બરને દેશમાં 'બંધારણ દિવસ' અથવા 'કાયદા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તે દિવસે બંધારણનો સ્વીકાર થયો હતો. જ્યારે 26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે તે કાયદો સમગ્ર દેશમાં સત્તાવાર રીતે અમલી બન્યો હતો.


