દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન એમ્બેસીએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

Delhi Blast: દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં લગભગ 24 લોકો સારવાર હેઠળ છે. આ વિસ્ફોટ બાદ અમેરિકાની એમ્બેસીએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. દૂતાવાસે તેની વેબસાઇટ પર લખ્યું હતું કે, '10મી નવેમ્બર 2025ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્ફોટનું કારણ હાલમાં અજ્ઞાત છે.' આ ઉપરાંત દૂતાવાસે તેના નાગરિકોને લાલ કિલ્લો, ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા, સ્થાનિક મીડિયા પાસેથી અપડેટ મેળવતા રહેવા અને સતર્ક રહેવાની સલાહ આપી છે.
વિદેશી દૂતાવાસોએ શોક વ્યક્ત કર્યો.
બ્રિટન, શ્રીલંકા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીઓએ વિસ્ફોટ બાદ શોક વ્યક્ત કર્યો. બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને કહ્યું, 'દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના.'
શ્રીલંકાના હાઈ કમિશને 'X' પર લખ્યું, 'પ્રિયજનો ગુમાવનારા તે પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્તના ઝડપી સ્વસ્થ થવાની અમે ઇચ્છા રાખીએ છીએ.' મોરોક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીઓએ પણ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી.
પોલીસની મોટી કાર્યવાહી
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ UAPA, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે UAPA, વિસ્ફોટક અધિનિયમ અને BNS ની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
દિલ્હી વિસ્ફોટ મામલે મોહમ્મદ ઉમર સાથે સંકળાયેલા 12 લોકોની અટકાયત
વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.

