ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના
Accident in Pilibhit, UP : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ છે. અકસ્માતની દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે, અકસ્માત બાદ રિક્ષા નજીકની ખાડીમાં પડી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, પીલીભીત ખાતે અકસ્માતની ઘટનામાં રોડ પર કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને લઈને રસ્તા પર રાહદારીઓ અને સ્થાનિકોની ભીડ જોવા મળી હતી. ઘટના મામલે પોલીસ સ્થળ પર પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં 2 મહિલા, 2 બાળકો સહિત 5ના મોત નીપજ્યા છે. ઘટના સમયે રિક્ષામાં ડ્રાઈવર સહિત 10 લોકો સવાર હતા. જ્યારે ઘટનામાં ફોર્ચ્યુનરના તમામ એરબેગ ખુલી ગયા હતા, જેમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ કાર છોડીને જતો રહ્યો હતો.