અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો : સૂર્યાના રૅકોર્ડ સાથે બરોબરી, હવે રોહિત શર્માના મહારૅકોર્ડ પર નજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek Sharma Cricket Record : ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 શ્રેણીના ત્રીજા મુકાબલામાં ભારતીય યુવા ઓપનર અભિષેક શર્માએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી છે. વેલિંગ્ટનમાં કિવી બોલરોની બરાબર ધોલાઈ કરતા અભિષેકે માત્ર 35 બોલમાં તોફાની સદી ફટકારી હતી. પોતાની આ યાદગાર ઇનિંગમાં તેણે માત્ર 38 બોલમાં 9 ચોગ્ગા અને 11 ગગનચુંબી છગ્ગાની મદદથી 297.37 ના સ્ટ્રાઇક રેટ સાથે કુલ 113 રન બનાવ્યા હતા. આ ધમાકેદાર સદી સાથે તેણે ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના મોટા રૅકોર્ડની બરાબરી કરી લીધી છે અને હવે તે માત્ર રોહિત શર્માથી પાછળ છે.
ભારત અને વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં મોટો ઉછાળો
આ સદી સાથે અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે બીજા બેટ્સમેન બની ગયો છે. ભારત તરફથી રોહિત શર્મા 5 સદી સાથે ટોચ પર છે, જ્યારે સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બંનેના નામે હવે 4-4 સદી નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો પણ અભિષેક ગ્લેન મેક્સવેલ અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની સાથે ટોચના સ્થાનની ખૂબ નજીક પહોંચી ગયો છે.
પુરુષોના T20Iમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્સમેનો
- ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા): 5 સદી
- રોહિત શર્મા (ભારત): 5 સદી
- અભિષેક શર્મા (ભારત): 4 સદી
- સૂર્યકુમાર યાદવ (ભારત): 4 સદી
- ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ): 4 સદી
- કરણબીર સિંહ: 4 સદી
ફુલ મેમ્બર દેશોમાં સૌથી ઝડપી સદીનો રૅકોર્ડ: યાદીમાં અભિષેક બે વાર ચમક્યો
અભિષેક શર્માએ આ ઇનિંગ દ્વારા ટેસ્ટ રમનારા મુખ્ય દેશોમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રીતે ચોથું સ્થાન પણ મેળવી લીધું છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં 30 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વર્લ્ડ રૅકોર્ડ પણ પહેલેથી જ અભિષેકના નામે નોંધાયેલો છે, જે તેણે દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો. હવે 35 બોલની આ ઇનિંગ સાથે તે રોહિત શર્મા અને ડેવિડ મિલરની બરાબરી પર આવી ગયો છે.
ફુલ મેમ્બર ટીમોમાં સૌથી ઝડપી T20I સદી
- અભિષેક શર્મા (ભારત) - 30 બોલ, વિરુદ્ધ અફઘાનિસ્તાન (દિલ્હી, 2026)
- સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) - 33 બોલ, વિરુદ્ધ ગામ્બિયા (નૈરોબી, 2024)
- ફિન એલન (ન્યૂઝીલૅન્ડ) - 33 બોલ, વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલકાતા, 2026)
- ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા) - 35 બોલ, વિરુદ્ધ બાંગ્લાદેશ (પોચેફસ્ટ્રૂમ, 2017)
- રોહિત શર્મા (ભારત) - 35 બોલ, વિરુદ્ધ શ્રીલંકા (ઇન્દોર, 2017)
- અભિષેક શર્મા (ભારત) - 35 બોલ, વિરુદ્ધ ન્યૂઝીલૅન્ડ (વેલિંગ્ટન, 2026)




