India

ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, પંજાબના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
પંજાબમાં AAPને મોટો ઝટકો લાગ્યો છે. 2027ની વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની યાદી જાહેર થતાં જ સમાનાના ચેતન સિંહ જોડામાજરા અને સનૌરના હરમીત સિંહ પઠાણમાજરાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. પઠાણમાજરા લાંબા સમયથી નેતૃત્વ સાથે વિવાદમાં હતા, જ્યારે જોડામાજરા રાખરાના પક્ષ પ્રવેશથી નારાજ હતા. આ ઘટનાથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, પંજાબના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા

Punjab AAP MLA Resignation News : પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (AAP)માં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના બીજા જ દિવસે બે વર્તમાન ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામાં આપ્યાં છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં સમાના બેઠકના ચેતન સિંહ જોડામાજરા અને સનૌર બેઠકના હરમીત સિંહ પઠાણમાજરાનો સમાવેશ થાય છે. બંનેના રાજીનામાથી પંજાબના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.

ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકીય હલચલ

AAPએ એક દિવસ પહેલાં જ 2027ની વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીએ 40 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી છે. મુખ્યમંત્રી ભગવંત માન ફરી ધૂરી બેઠક પરથી ચૂંટણી લડશે. જેલમાં બંધ કેબિનેટ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાનને કોટકપુરા અને ડેપ્યુટી સ્પીકરને ગઢશંકર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચાર મહિલા ધારાસભ્યોને પણ તેમની વર્તમાન બેઠકો પરથી ફરી ટિકિટ આપવામાં આવી છે. જોકે, યાદીમાં અન્ય કોઈ કેબિનેટ મંત્રીનું નામ સામેલ નથી.

હરમીત સિંહ પઠાણમાજરા અને સરકાર વચ્ચે ખેંચતાણ

સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા લાંબા સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે વિવિધ મુદ્દે ટકરાવમાં રહ્યા હતા. પૂર અંગે સરકારના વલણ અને તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસ સહિતના મુદ્દાઓને કારણે તેમનો પક્ષ સાથેનો વિવાદ ચર્ચામાં રહ્યો હતો. હવે તેમના રાજીનામાથી પાર્ટી સાથેના મતભેદ ફરી ચર્ચામાં આવ્યા છે.

ચેતન સિંહ જોડામાજરાની નારાજગી પાછળ શું?

સમાના બેઠકના ધારાસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી ચેતન સિંહ જોડામાજરાના રાજીનામાએ પણ પાર્ટીમાં વધતા અસંતોષ અંગે સવાલો ઊભા કર્યા છે. આ વર્ષે મે મહિનામાં શિરોમણિ અકાલી દળના ભૂતપૂર્વ નેતા સુરજીત સિંહ રાખરા AAPમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને સમાનામાં પાર્ટીની કામગીરી સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા આપવામાં આવી હતી. આ નિર્ણયને સ્થાનિક ધારાસભ્ય જોડામાજરાને બાજુ પર રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યો હતો.

ચૂંટણીની તૈયારી વચ્ચે પાર્ટી માટે પડકાર

મુખ્યમંત્રી ભગવંત માને ઉમેદવારોની વહેલી જાહેરાતને પાર્ટીની મજબૂત તૈયારી, પારદર્શિતા અને સરકારનાં કામમાં વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. AAPએ મુખ્ય રાજકીય પક્ષોમાં સૌથી પહેલાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે, તેના બીજા જ દિવસે બે ધારાસભ્યોનાં રાજીનામાં આવતાં પાર્ટીની અંદર ચાલી રહેલા અસંતોષ અંગે ચર્ચા શરૂ થઈ છે.