Get The App

'I.N.D.I.A.' ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- 'બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું'

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
'I.N.D.I.A.' ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- 'બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું' 1 - image

Image: IANS



INDIA Alliance: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને બહુમતથી દૂર રાખનાર વિપક્ષનું '‘ઈન્ડિયા’ ગઠબંધન' તૂટતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલાં 2024ની લોકસભા ચૂંટણી બાદ આ ગઠબંધનથી દૂરી બનાવી લીધી હતી અને હવે સંસદના ચોમાસું સત્ર પહેલાં આ ગઠબંધન સાથે પોતાના સંબંધ સંપૂર્ણ રીતે ખતમ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના આ પગલાંથી સંસદમાં વિપક્ષનો એકજૂટ અવાજ નબળો પડવાની આશંકા છે. 

ચોમાસું સત્ર અને વિપક્ષનું રાજકારણ

સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થઈને 21 ઓગસ્ટ સુધી ચાલશે. પહેલા આ સત્ર 12 ઓગસ્ટ સુધી નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, મોદી સરકારે તેનું એક અઠવાડિયું વધારી દીધું. ગૃહમાં મોદી સરકારને ઘેરવા માટે ‘ઈન્ડિયા’ ગઠબંધનની વ્યૂહનીતિ તૈયાર કરવા માટે શુક્રવારે સાંજે ઓનલાઈન બેઠક બોલાવવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના આવાસ પર ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં AAP ભાગ નહીં લે. આ પ્રકારે AAP એ ‘ઈન્ડિયા’ ગઠબંધનથી સંપૂર્ણ રીતે સંબંધ તોડી નાંખ્યો છે. 

આ પણ વાંચોઃ VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી 'INS નિસ્તાર' નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે

AAP ‘ઈન્ડિયા’ ગઠબંધનથી થયું અલગ

AAP સાંસદ સંજય સિંહે સ્પષ્ટ કર્યું કે, અમારી પાર્ટી ‘ઈન્ડિયા’ ગઠબંધનની બેઠકોમાં હાજરી નહીં આપે. અમારી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, અમે ‘ઈન્ડિયા’ ગઠબંધનથી બહાર છીએ. આપ સંકલન જાળવી રાખશે અને સંસદીય મુદ્દાઓ પર ટીએમસી અને ડીએમકે જેવા વિપક્ષી પક્ષોને ટેકો આપશે, કારણ કે આ પક્ષો આપને ટેકો આપે છે. ‘ઈન્ડિયા’ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું. ત્યારબાદ, આમ આદમી પાર્ટીએ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી તેમજ પંજાબ અને ગુજરાતની પેટાચૂંટણીઓમાં એકલા ભાગ લીધો. આ રીતે, આમ આદમી પાર્ટી પહેલાથી જ ‘ઈન્ડિયા’ ગઠબંધનથી દૂર થઈ ગઈ હતી અને હવે તે સંસદમાં વિપક્ષી એકતાથી પણ અલગ થઈ ગઈ છે.

શું નબળો પડશે વિપક્ષનો અવાજ?

જોકે, AAP એ 2024ની લોકસભા ચૂંટણી બાદ ‘ઈન્ડિયા’ ગઠબંધનથી અંતર રાખ્યું છે, પરંતુ સંસદથી લઈને રસ્તા સુધી વિપક્ષ સાથે મળીને મોદી સરકારની નીતિનો વિરોધ કરતી રહે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સંસદમાં સરકારની નીતિઓ વિરુદ્ધ બોલતા રહ્યા છે અને તેમને વિપક્ષના શક્તિશાળી અવાજોમાંનો એક માનવામાં આવે છે. પરંતુ ચોમાસું સત્રમાં AAP ના ગઠબંધનથી અલગ થયા પછી, વિપક્ષની સંયુક્ત વ્યૂહનીતિમાં તિરાડ પડવાની શક્યતા છે.

AAP પાસે 8 રાજ્યસભા સાંસદો અને 3 લોકસભા સાંસદો છે, જે સંસદમાં તેનું રાજકીય મહત્ત્વ દર્શાવે છે. આપનું અલગ થવું વિપક્ષી એકતા માટે મોટો ફટકો બની શકે છે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત

વિપક્ષની વ્યૂહનીતિ અને AAPનું વલણ

‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા ચોમાસું સત્રમાં નક્કર મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની વ્યૂહનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બિહારમાં મતદાર યાદી સુધારા, ઓપરેશન સિંદૂર અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા જેવા મુદ્દા ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ AAP એ આ બેઠકોમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.

સંજય સિંહે કહ્યું કે, AAP માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો દિલ્હીમાં યુપી, બિહાર અને પૂર્વાંચલના લોકો પર ચલાવવામાં આવી રહેલું બુલડોઝર અને તેમના ઘરો અને દુકાનો તોડી પાડવાનો છે. આ ઉપરાંત, AAP ઉત્તર પ્રદેશમાં સરકારી શાળાઓ બંધ કરવાનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવશે. આ રીતે, AAP એ સ્પષ્ટ કર્યું છે કે તે વિપક્ષી પક્ષો સાથે સંયુક્ત વ્યૂહનીતિ બનાવવાને બદલે પોતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

AAP અને કોંગ્રેસ વચ્ચે તણાવ

‘ઈન્ડિયા’ ગઠબંધનમાં AAPનો ખરો સંઘર્ષ કોંગ્રેસ સાથે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવા જેવા રાજ્યોમાં AAP અને કોંગ્રેસ વચ્ચે રાજકીય હરીફાઈ રહી છે. જોકે AAP તેના ઘટક પક્ષો જેમ કે SP, TMC અને DMK સાથે વધુ સારું સંકલન ધરાવે છે, પરંતુ કોંગ્રેસ સાથેના તેના સંબંધો સતત બગડી રહ્યા છે.

‘ઈન્ડિયા’ ગઠબંધનમાં બધા પક્ષો પહેલાથી જ પોતપોતાના રસ્તે ચાલી રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાતની ચર્ચા છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તેઓ ‘ઈન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં હાજરી આપશે કે નહીં. આ પ્રકારના હવે વિપક્ષી એકતા તૂટી રહી હોય તેવું લાગે છે.

Tags :