દિલ્હીમાં પરાજય બાદ રાજકારણમાં ફરી મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ, સ્ટુડન્ટ વિંગ 'ASAP'ની કરી રચના
AAP Student Wing: દિલ્હીમાં હારનો સામનો કર્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) પોતાની તાકાત વધારવા નવા પ્રયાસો કરી રહી છે. પક્ષે મંગળવારે પોતાના સ્ટુડન્ટ વિંગની રચના કરી છે. જેને એસોસિએશન ઑફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ (ASAP) નામ આપવામાં આવ્યું છે. AAP આ વિદ્યાર્થી સંગઠન મારફત યુવાનો વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આગામી દિવસોમાં પક્ષ દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ સહિત અન્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આ વિંગ મારફત લડશે.
પક્ષના વડા અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજ, અને કોચિંગ ટીચરથી નેતા બનેલા અવધ ઓઝાની હાજરીમાં દિલ્હીના કોન્સ્ટીટ્યુશનલ ક્લબમાં આ વિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેનો લોગો પણ રજૂ કરાયો હતો.
મનીષ સિસોદિયાએ જણાવ્યો ASAPનો અર્થ
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આ યુવાનોનો પ્રિય શબ્દ છે, ASAP. આજે જ્યાં પણ સુધારાની જરૂર છે. ત્યાં તેની જરૂર છે. આપણે મોડા પડ્યા છીએ. જ્યારે જ્યારે આ નામ વિશે વિચારીશું ત્યારે તે આપણને સૂચન આપશે કે, હવે સમય નથી. હું ઈચ્છું છું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં ASAPના અધ્યક્ષ, સેક્રેટરી, ટીમ જીતીને આવે. જ્યાં ચૂંટણી નથી થતી, ત્યાં અમે વૈકલ્પિક રાજકારણની વાત કરીશું.
પક્ષે આ વિંગની રચના એવા સમયે કરી છે કે, જ્યારે દિલ્હીમાં સળંગ 10 વર્ષના શાસન બાદ અચાનક મોટી હારનો સામનો કરવો પડ્યો. પક્ષના વડા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના દિગ્ગજ નેતાઓ પોતાની બેઠક બચાવી શક્યા નહીં. દિલ્હી નગર નિગમમાંથી પણ સત્તા ગુમાવી.
રાજકારણમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ
આશરે એક દાયકામાં નેશનલ પાર્ટી બની ચૂકેલી AAP ફરી એકવાર રાજકારણમાં મજબૂત પકડ બનાવવા પ્રયાસો કરી રહી છે. પક્ષે એક બાજુ પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, તો બીજા બાજુ ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા પર ફોકસ વધાર્યું છે. પક્ષે સ્ટુડન્ટ વિંગ મારફત કેમ્પસ પોલિટિક્સમાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ શરૂ કર્યો છે.