VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા
Uttarakhand Rainfall: ઉત્તરાખંડમાં રવિવારે (ચોથી મે) હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ અણધાર્યા મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદને કારણે, ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેમાં રસ્તાઓ પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો હતો અને વાહનોની અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
રાહત અને બચાવ કાર્ય શરૂ
ભૂસ્ખલનના કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લોકોએ કાટમાળમાં ફસાયેલા વાહનોને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, આમાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: કાનપુરમાં મોટી દુર્ઘટના, 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને 3 બાળકોના મોત
દહેરાદૂનમાં પણ ભારે વરસાદ
દહેરાદૂનમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની અસર જોવા મળી હતા. માલદેવતામાં નદી કિનારે પિકનિક મનાવી રહેલા ઘણાં લોકોએ સમયસર પોતાને બચાવી લીધા હતા. માલદેવતા નજીક વાદળ ફાટવાથી સાંગ નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, પરંતુ બધા સુરક્ષિત હોવાનું કહેવાય છે.