'નેતન્યાહૂના દબાણમાં ટ્રમ્પ ઈરાન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં...', ટકર કાર્લસનનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tucker Carlson Iran nuclear claim: અમેરિકાના જાણીતા પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત ટકર કાર્લસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમના જણાવ્યા મુજબ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરૂદ્ધ પરમાણુ હુમલો કરવા ભારે દબાણ કરી રહ્યા છે. કાર્લસને દાવો કર્યો છે કે અમેરિકા આગામી ગણતરીના દિવસોમાં જ ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે. જોકે, અમેરિકન મીડિયામાં આ સિવાય અન્ય કોઈ અહેવાલમાં આવો દાવો હજુ સુધી સામે આવ્યો નથી.
ગ્રેનાઇટ પહાડોની નીચે આવેલું 'પિકએક્સ માઉન્ટેન' લક્ષ્યાંક પર
ટકર કાર્લસને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ સંભવિત પરમાણુ હુમલામાં ઈરાનના 'પિકએક્સ માઉન્ટેન'ને નિશાન બનાવવામાં આવી શકે છે. ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ઈરાને ત્યાં પોતાનો ન્યુક્લિયર એનરિચમેન્ટ (પરમાણુ સંવર્ધન) પ્રોગ્રામ ફરી શરૂ કરી દીધો છે. આ પહાડની ગ્રેનાઇટ પહાડોની 300 ફૂટ નીચે અંડરગ્રાઉન્ડ ટનલો આવેલી છે, જેને અમેરિકાના પરંપરાગત શસ્ત્રો ભેદી શકે તેમ નથી. જેથી તેને નષ્ટ કરવા પરમાણુ હુમલાની યોજના ઘડાઈ રહી હોવાનો દાવો કરાયો છે.
રાજકીય સંકટ અને જેલના ડરથી નેતન્યાહૂ ટ્રમ્પ પર દબાણ બનાવી રહ્યા છે: ટકર
કાર્લસને વધુમાં દાવો કર્યો કે, 'નેતન્યાહૂ આ માટે ટ્રમ્પને દરરોજ ફોન કરી રહ્યા છે. ઈઝરાયલની ચૂંટણીઓ બાદ નેતન્યાહૂ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની ગઈ છે અને સંસદ (નેસેટ)માં 61 સીટો મેળવવા માટે તેમને ટ્રમ્પના સીધા હસ્તક્ષેપની જરૂર છે. જો તેઓ વડાપ્રધાન પદ ગુમાવશે તો તેમને તપાસ અને જેલ જવાનો સામનો કરવો પડી શકે છે. તેથી પોતાના અસ્તિત્વ માટે તેઓ આ યુદ્ધ અને પરમાણુ હુમલા માટે અમેરિકા પર દબાણ બનાવી રહ્યા છે.'
ખાડી દેશોમાં ભય, હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કરો પર હુમલાથી વૈશ્વિક મંદીનો ખતરો
મિડલ ઇસ્ટના અન્ય દેશો વધુ એક યુદ્ધની સંભાવનાથી ડરેલા છે. 27 સપ્ટેમ્બરે નેતન્યાહૂ અબુ ધાબી ગયા હતા જેથી UAEને પોતાની લોબિંગમાં સામેલ કરી શકાય, પરંતુ એમિરેટ્સએ તેનો ઇનકાર કરી દીધો હતો. સતત ચાલી રહેલા સંઘર્ષને કારણે અખાતી દેશોની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક ઊર્જા બજાર ખોરવાઈ ગયા છે. ઓક્ટોબર મહિનામાં જ હોર્મુઝ સ્ટ્રેટમાં 11 સુપરટેન્કરો ક્ષતિગ્રસ્ત થયા છે. જો આ પરમાણુ હુમલો થશે તો તેનાથી ફેલાતો રેડિયોએક્ટિવ ફોલઆઉટ ફારસની ખાડીને પ્રદૂષિત કરી દેશે, જેનાથી 10 કરોડ લોકો માટે પીવાનું પાણી ઝેરી બની જશે.
ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાશે દુનિયા?
ટકર કાર્લસને ચેતવણી આપી છે કે, 'જો અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે તો તે વિશ્વ માટે એક નવી વિનાશક મિસાલ કાયમ કરશે. રશિયાએ પહેલાથી જ કેટલીક સરકારોને સંકેત આપી દીધો છે કે અમેરિકન હુમલાની સ્થિતિમાં તેમને પણ યુક્રેન સામે પરમાણુ શસ્ત્રો વાપરવાની છૂટ મળી જશે. આ ઉપરાંત પાકિસ્તાન-ભારત અને ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે પણ પરમાણુ સંઘર્ષ ભડકી શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાબિત થઈ શકે છે.




