રાજસ્થાનમાં ગજબ થયું! જેમનું નોમિનેશન રદ થયું હતું એ જ ઉમેદવાર ચૂંટણી જીતી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajasthan Barmer Panchayat Election: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક ખૂબ જ આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે, જ્યાં પંચાયત ચૂંટણી દરમિયાન જે ઉમેદવારનું ફોર્મ નોમિનેશન વખતે જ રદ થઈ ગયું હતું, તે જ ચૂંટણી જીતી ગયા છે. આ ગંભીર લાલિયાવાડીથી રાજ્યની ચૂંટણી વ્યવસ્થા અને વહીવટી તંત્ર સામે મોટા સવાલો ઊભા થયા છે, જેના કારણે જિલ્લા પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે અને આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે આખો મામલો અને કેવી રીતે સર્જાઈ ગયું આશ્ચર્ય?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂરારામે ગડરા રોડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું. 23 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી દરમિયાન, અપરાધિક ઇતિહાસના જરૂરી કાગળો પૂરા ન કરવાને કારણે તેમનું નોમિનેશન રદ કરી દેવામાં આવ્યું હતું અને રદ થયેલા ઉમેદવારોની સત્તાવાર યાદીમાં પણ તેમનું નામ હતું. છતાં કોઈક ભૂલના કારણે બેલેટ પેપર પરથી તેમનું નામ હટાવવામાં ન આવ્યું, જેથી તેઓ ચૂંટણી મેદાનમાં યથાવત રહ્યા હતા.
બલેટ પેપર પર નામ રહેતા પૂરારામે મેળવી જીત
ચૂંટણી દરમિયાન બેલેટ પેપર પર પૂરારામનું નામ અને ચિહ્ન હોવાથી તેમને 1,786 મત મળ્યા અને તેમણે કુલદીપ સિંહને 187 મતોથી હરાવીને જીત મેળવી લીધી. હવે સવાલ એ ઊભો થયો છે કે જ્યારે તેમનું નોમિનેશન પહેલેથી જ રદ થઈ ગયું હતું, તો પછી તેમને બેલેટ પેપર પર સ્થાન કેવી રીતે મળ્યું અને ચૂંટણી લડવાની છૂટ કેમ મળી?
આરોપ-પ્રત્યારોપ અને વિરોધ પક્ષોની પ્રતિક્રિયા
હારેલા ઉમેદવાર કુલદીપ સિંહના ભાઈ ભરત સિંહે સવાલ ઉઠાવ્યો છે કે નોટિસ બોર્ડ પર નામ હોવા છતાં પૂરારામને ચૂંટણી લડવા દેવી એ કાં તો અધિકારીઓની ગંભીર બેદરકારી છે અથવા કોઈ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે. આ મામલે ચૂંટણી પરિણામ રદ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ, વિજેતા ઉમેદવાર પૂરારામે પોતાની જીતને સંપૂર્ણપણે કાયદેસર ગણાવતા કહ્યું છે કે વિરોધીઓ અફવા ફેલાવી રહ્યા છે કારણ કે તેમને અધિકારી દ્વારા અધિકૃત રીતે ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું હતું.
પ્રશાસન દ્વારા તપાસના આદેશ
આ ગંભીર મામલે બાડમેરના જિલ્લા કલેક્ટર ચિન્મયી ગોપાલે જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. આ ઉપરાંત એસડીઓ સુરેશ કુમારે પણ પુષ્ટિ કરી છે કે રિટર્નિંગ ઓફિસર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે જેથી સ્પષ્ટ થઈ શકે કે જો પૂરારામનું નોમિનેશન રદ થયું હતું, તો તેમને ચૂંટણી લડવાની તક કેવી રીતે મળી ગઈ.




