India

રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
સુલ્તાનપુર વિશેષ MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને 2018ના માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી અંગેના આ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. તેમના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ આ માહિતી આપી હતી. કોર્ટના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા
IMAGE - IANS

Rahul Gandhi Defamation Case: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વર્ષ 2018ના માનહાનિ કેસમાં ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર વિશેષ MP-MLA કોર્ટે દોષમુક્ત કરી મોટી રાહત આપી છે. આ કેસ ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ સામે કરાયેલી આપત્તિજનક ટિપ્પણી અંગેનો હતો, જેમાંથી તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ તેમના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ કરી છે. આ કેસ વર્ષ 2018માં કર્ણાટકના બેંગલુરુ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે જોડાયેલો હતો. આ ટિપ્પણીઓ તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આપત્તિજનક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ચુકાદા માટે દિલ્હીથી સુલ્તાનપુર પહોંચ્યા રાહુલ ગાંધી

આ કેસના આખરી ચુકાદાની સુનાવણી માટે રાહુલ ગાંધી પોતે દિલ્હીથી ખાસ સુલ્તાનપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. આ મામલે ભાજપના તત્કાલીન જિલ્લા ઉપપ્રમુખ અને સ્થાનિક ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસના સંદર્ભમાં રાહુલ ગાંધીને 16 ડિસેમ્બર 2023ના રોજ સમન્સ પાઠવ્યા હતા. ચુકાદો આવે તે પહેલાં ફરિયાદી વિજય મિશ્રાએ આશા વ્યક્ત કરી હતી કે 2018થી 2026 સુધી સતત ચાલેલી આ કાનૂની લડાઈમાં તેમને ન્યાય મળશે.

શું હતો સમગ્ર વિવાદ?

વકીલ કાશી પ્રસાદ શુક્લાના જણાવ્યા મુજબ, મે 2018માં બેંગલુરુની એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનાથી નારાજ થઈને વિજય મિશ્રાએ સુલ્તાનપુર કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જો દોષિત સાબિત થાત તો આઈપીસીની કલમ 500 મુજબ બે વર્ષની જેલ અને દંડની સજા થઈ શકતી હતી; પરંતુ, તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ MP/MLA કોર્ટે આ માનહાનિ કેસને રદ કરીને ફગાવી દીધો છે.