India

MLC ચૂંટણી: 'પ્રવચન આપતા પહેલા આત્મમંથન કરો', PM મોદીના કટાક્ષ પર કોંગ્રેસનો પલટવાર

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
તાજેતરમાં 4 રાજ્યોમાં 28 વિધાન પરિષદ બેઠકો માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં NDAને 16 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 5 બેઠકો જીતી, જેમાં PM મોદીના વારાણસીની 2 બેઠકો પણ સામેલ છે. PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે બેલેટ પેપરથી ચૂંટણીમાં તેમની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું કે PM મોદીએ વારાણસી અને નાગપુરમાં ભાજપની હાર પર આત્મચિંતન કરવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

MLC ચૂંટણી: 'પ્રવચન આપતા પહેલા આત્મમંથન કરો', PM મોદીના કટાક્ષ પર કોંગ્રેસનો પલટવાર

MLC Election Results 2026: તાજેતરમાં ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ (એમએલસી) ચૂંટણીના પરિણામોને લઈને રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના પ્રદર્શન પર કરવામાં આવેલા કટાક્ષ સામે કોંગ્રેસે આક્રમક પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યું છે કે તેઓ બીજાને પ્રવચન આપવાને બદલે પોતાના જ ગઢમાં થયેલા પરાજય પર આત્મમંથન કરવું જોઈએ.

ચાર રાજ્યોની 28 બેઠકો પર ચૂંટણી અને એનડીએનું પ્રદર્શન

બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર - આ ચાર મોટા રાજ્યોની 28 સ્નાતક અને શિક્ષક બેઠકો માટે એમએલસી ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બેલેટ પેપર (મતપત્રો) દ્વારા યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને તેના એનડીએ ગઠબંધને 16 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર નાગપુરની એક જ બેઠક આવી છે. આ સિવાય સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પાંચ બેઠકો જીતી છે, જેમાં પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે બેઠકો પણ સામેલ છે.

પીએમ મોદીનો કટાક્ષ અને કોંગ્રેસ પર નિશાન

ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. વિપક્ષ દ્વારા સતત ઈવીએમ પર સવાલો ઉઠાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો કે બેલેટ પેપરથી થયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસની શું સ્થિતિ રહી છે તેનો અંદાજ લગાવી શકાય.

જયરામ રમેશનો વળતો પ્રહાર: 'વારાણસી અને નાગપુરમાં કેમ હારી ભાજપ?'

પીએમ મોદીના આ નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ''પ્રવચનમંત્રીજી'ને બીજાને પ્રવચન આપવાને બદલે ખુદ આત્મમંથનની જરૂર છે. કોંગ્રેસની બેઠકો ગણતા પહેલા પીએમ મોદીએ એ વિચારવું જોઈએ કે તેમના પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બંને બેઠકો પર ભાજપ કેમ હારી ગઈ અને આરએસએસના ગઢ સમાન નાગપુરમાં કોંગ્રેસે ભાજપને કેવી રીતે હરાવી?'

જયરામ રમેશે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, 'દેશના કરોડો પરિવારો મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે, ત્યારે અહંકાર છોડીને આ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. વારાણસી, નાગપુરથી લઈને લખનૌ અને પટણાની જનતાએ સરકારની નીતિઓ સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

ઉદિત રાજના કડક શબ્દો: 'પીએમ મોદી પોતાનું ઘર સંભાળે'

આ મામલે કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ગોરખપુર, પીએમ મોદી માટે વારાણસી અને આરએસએસ માટે નાગપુર - આ ત્રણેય મહત્ત્વના સ્થળોએ તેમને મોટો ઝટકો લાગ્યો છે. બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની વાત પર કોંગ્રેસ તૈયાર છે, કારણ કે અમને ઈવીએમ પર નહીં પરંતુ બેલેટ પેપર પર જ વિશ્વાસ છે.'