India

'જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રો': રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ફરી ધરણાં પર બેઠા, કહ્યું- વોટ ચોરી કરનારાને છોડીશું નહીં

By GS Team
6 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં INDIA બ્લોકના સાંસદોએ 'લોકશાહી બચાવો'ના નારા સાથે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરી. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરી, પરંતુ કોંગ્રેસના સાંસદોએ બસ રોકતા તેઓ મુક્ત થયા. આકાશવાણી ભવન ખાતે ધરણાં પર બેસી, વિપક્ષે કથિત મત ચોરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. DMK અને AAP આ માર્ચથી દૂર રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રો': રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ફરી ધરણાં પર બેઠા, કહ્યું- વોટ ચોરી કરનારાને છોડીશું નહીં

INDIA bloc protest: 'સેવ ડેમોક્રસી' (લોકશાહી બચાવો) અને 'સેવ માઈ વોટ' (મારા મતને બચાવો)ના પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે. કથિત મત ચોરીના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે વિપક્ષી સાંસદોએ સંસદ ભવન બહાર ભેગા થઈને રાજધાની દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન' તરફ કૂચ કરી હતી.

300 સાંસદોનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, 'થોડા સમય પહેલા લોકસભા અને રાજ્યસભાના આશરે 300 સાંસદો અહીં આવ્યા હતા. અમે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમના બે સાથીદારોને મળવા માંગતા હતા, પરંતુ પોલીસે અમને અહીં રોકી દીધા. અમે ભારતના લોકોના પ્રતિનિધિ છીએ અને દેશનો અવાજ રજૂ કરીએ છીએ. મને સમજાતું નથી કે 300 સાંસદોને અહીં કેમ રોકવામાં આવ્યા છે, તેમને બેસાડી રાખવામાં આવ્યા છે અને ચૂંટણી પંચ પાસે જવા દેવામાં નથી આવી રહ્યા. સમસ્યા શું છે તે મને ખબર નથી.'

એક વખત અટકાયત બાદ રાહુલ ગાંધી ફરીથી ધરણાં પર બેઠા

ઇન્ડિયા ગઠબંધનના વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ સંસદ માર્ગ પર થયેલી અફરાતફરી વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના ગેટની અંદર પહોંચ્યા હતા. ત્યાં ખુલ્લા પરિસરમાં આવેલા એક વૃક્ષની નીચે બંને નેતાઓ જમીન પર બેસી ગયા હતા. તેમની સાથે અન્ય વિપક્ષી સાંસદો પણ બેસીને ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી પોલીસે આકાશવાણી ભવનના મુખ્ય ગેટ પર સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસ અધિકારીઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સમજાવીને વાનમાં બેસાડી સુરક્ષિત રીતે સ્થળ પરથી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.

પોલીસ બસમાંથી ઉતરીને આકાશવાણી ભવન પહોંચ્યા હતા રાહુલ ગાંધી

વિરોધ પ્રદર્શન દરમિયાન શરૂઆતમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હતા, પરંતુ કોંગ્રેસના સાંસદોએ પોલીસ બસને રોકી લીધી હતી, જેના કારણે બસમાંથી નીચે ઉતરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનમાં જતા રહ્યા હતા.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરાઈ હતી, નેતાઓએ બસ રોકી લીધી

વિરોધ પ્રદર્શન સ્થળેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિપક્ષી સાંસદોને બસોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યાં કોંગ્રેસ નેતાઓએ એક બસ રોકી લેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અટકાયતમાંથી મુક્ત થવામાં સફળ રહ્યા હતા.

દિલ્હીમાં 'INDIA' બ્લોકના સાંસદો દ્વારા સંસદથી ચૂંટણી પંચ (ECI) સુધી કાઢવામાં આવેલા વિરોધ મોરચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા હતા.

બે મોટા પક્ષો રહ્યા દૂર, કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર

આ વિરોધ પ્રદર્શન અને માર્ચ દરમિયાન બે મહત્ત્વપૂર્ણ વિપક્ષી પક્ષો - ડીએમકે (DMK) અને આમ આદમી પાર્ટી (AAP) આ વિપક્ષી માર્ચથી દૂર રહ્યા હતા. મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે કોંગ્રેસે આ મુદ્દાને જનતાની નજરમાં જીવંત રાખવા માટે સંસદના આગામી શિયાળુ સત્ર સુધીનો એક એક્શન પ્લાન અને રોડમેપ તૈયાર કર્યો છે.