ચા-નૂડલ્સ ખાઈને સૂઈ ગયેલા 3 બાળક અને માતા-પિતા સહિત 5ના મોત, ગ્રેટર નોઈડામાં કમકમાટીભરી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Greater Noida Tragedy: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ભારે હડકંપ મચી ગયો છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક સાથે એક જ ઘરના પાંચ સભ્યોના મોતથી સ્થાનિક રહીશો પણ આઘાતમાં છે.
ચા અને નૂડલ્સ ખાધા બાદ મોતની આશંકા: ફૂડ પોઇઝનિંગ કે અન્ય કારણ?
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના તમામ સભ્યોનું મોત કંઈક ઝેરી અથવા દૂષિત વસ્તુ ખાવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે પરિવારે છેલ્લે ચા પીધી હતી અને નૂડલ્સ ખાધી હતી, જેના પછી તમામ પાંચેય સભ્યોની તબિયત લથડી હતી અને શંકાસ્પદ સંજોગોમાં તેમના મોત નીપજ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો ફૂડ પોઇઝનિંગનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચા અને નૂડલ્સના કારણે જ મોત થયા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા, તપાસ તેજ કરી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની ગહન તપાસ હાથ ધરી હતી. પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.




