India

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ કહાની

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી વેધર સિસ્ટમ 26 ઓક્ટોબરે 'અર્નબ' વાવાઝોડામાં ફેરવાશે. તે 28 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના તટ તરફ આગળ વધશે. આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ, તેજ પવન અને પૂરની સંભાવના છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકારે તૈયારીઓ કરી છે. આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે સૂચવ્યું છે, જેનો અર્થ બંગાળીમાં 'મહાસાગર' થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ કહાની
IMAGE - IANS

Cyclone Arnab Name Origin: બંગાળની ખાડીમાં એક નવી સક્રિય થયેલી વેધર સિસ્ટમ હવે ગંભીર રૂપ ધારણ કરી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બનેલી આ સિસ્ટમ 26 ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 28 ઑક્ટોબરની સવાર સુધીમાં આંધ્રપ્રદેશના તટ તરફ આગળ વધશે. આ 'અર્નબ' વાવાઝોડાના કારણે ભારે વરસાદ, તેજ પવન અને પૂર આવવાની શક્યતા રહેલી છે. તટીય વિસ્તારોમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકારે પોતાની તૈયારીઓ મજબૂત કરી દીધી છે. ઓડિશાએ રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી છે, જ્યારે આંધ્રપ્રદેશ સરકારે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ કંપનીઓને ખાસ સૂચના આપી છે.

વાવાઝોડાનું નામ 'અર્નબ' કોણે રાખ્યું?

દરિયામાં આવતા વાવાઝોડાનું નામ નક્કી કરવા માટે વિશ્વ સંગઠનોની એક ચોક્કસ પદ્ધતિ હોય છે. આ વાવાઝોડાનું નામ 'અર્નબ' બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે. એપ્રિલ 2020માં વર્લ્ડ મેટોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP)ના 'ટ્રોપિકલ સાયક્લોન પેનલ' દ્વારા તૈયાર કરવામાં આવેલી અધિકૃત યાદીમાંથી આ નામ લેવામાં આવ્યું છે. આ પેનલમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈ અને યમન એમ 13 દેશો સામેલ છે. દરેક દેશે 13-13 નામો આપ્યા હતા, જેના પરથી કુલ 169 નામોની યાદી તૈયાર કરાઈ હતી. ઉત્તરી હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરેબિયન સીમાં આવતા વાવાઝોડાના નામ આ યાદીમાંથી ક્રમશઃ રાખવામાં આવે છે.

શું થાય છે 'અર્નબ' શબ્દનો અર્થ?

સામાન્ય રીતે 'અર્નબ' શબ્દનો ઉપયોગ બંગાળી ભાષામાં 'મહાસાગર' કે 'દરિયા' માટે કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની ઓફિશિયલ યાદીમાં આ નામ પ્રસ્તાવિત કરનાર દેશ તરીકે બાંગ્લાદેશનું નામ નોંધાયેલું છે. દરિયામાંથી ઉદભવતા આ વાવાઝોડા માટે આ નામ ખૂબ જ બંધબેસતું માનવામાં આવે છે.

વાવાઝોડાના નામ શા માટે રાખવામાં આવે છે?

કોઈપણ વાવાઝોડાનું ચોક્કસ નામ રાખવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા અને સામાન્ય લોકો સુધી સરળતાથી માહિતી પહોંચાડવાનું છે. જ્યારે એક સાથે બે કે તેથી વધુ હવામાન સિસ્ટમ સક્રિય હોય, ત્યારે અધિકારીઓ, મીડિયા અને સામાન્ય નાગરિકો વચ્ચે કોઈ મૂંઝવણ ન થાય તે માટે નામ આપવું જરૂરી બને છે. ચોક્કસ નામ હોવાથી હવામાનની આગાહી અને ચેતવણીઓ લોકોને સહેલાઈથી યાદ રહી જાય છે, જેનાથી આપત્તિ સમયે લોકો સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચી શકે છે અને રાહત-બચાવ કાર્ય વધુ ઝડપી બને છે.