કાશ્મીરમાં તહેનાત સૈન્ય અધિકારી દેશની રક્ષા કરતા રહ્યા અને પત્નીએ ચીનને લીક કરી ગુપ્ત માહિતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Army Officer's Wife Spying Case: જમ્મુ-કાશ્મીરમાં સેનાના એક અધિકારીની પત્ની સામે ચીન સાથે જોડાયેલા લોકો સહિત વિદેશી ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો ગંભીર આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા પર સોશિયલ મીડિયાના માધ્યમથી સંવેદનશીલ વિગતો એકઠી કરવાનો અને તેને વિદેશી એજન્ટો સાથે શેર કરવાનો આરોપ છે. આ ઘટનાએ સેનાના સોશિયલ મીડિયા નિયમોમાં રહેલી એક મોટી ખામી તરફ સૌનું ધ્યાન દોર્યું છે.
સેનાના જવાનો માટેના સખત નિયમો
ભારતીય સેનામાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર અત્યંત સખત પાબંધીઓ લાદવામાં આવેલી છે. સેનાના જવાનોને સોશિયલ મીડિયા પર પોતાની લાઈવ કે કરંટ લોકેશન ટેગ કરવાની મનાઈ છે. આ ઉપરાંત, જો કોઈ અજાણી વ્યક્તિ ઓનલાઈન તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે, તો તેની જાણ તુરંત જ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને કરવી ફરજિયાત છે. ડિસેમ્બર 2025માં નીતિમાં સુધારો કરીને યુનિફોર્મમાં ફોટો પોસ્ટ કરવા અને લોકેશન ટ્રેસ થઈ શકે તેવી સામગ્રી શેર કરવા પર સખત પ્રતિબંધ યથાવત રખાયો છે.
પરિવારજનો પર આર્મી એક્ટ લાગુ પડતો નથી
સેનાના આ કડક નિયમો માત્ર સેવારત કર્મચારીઓ માટે જ છે, તેમના પરિવારજનો (પત્નીઓ કે બાળકો) માટે નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, આર્મી એક્ટ અધિકારીઓના જીવનસાથીઓ પર લાગુ પડતો નથી, તેથી સેવા નિયમો હેઠળની પાબંધીઓ તેમના પર સીધી રીતે લાદી શકાતી નથી. જોકે, કોઈ નાગરિક ગુનો કરે તો તેમની સામે 'ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ' (અધિકૃત ગોપનીયતા કાયદો) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ જ કારણસર હવે પરિવારજનો માટે પણ નિયમોના દાયરા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા દ્વારા જાસૂસીના ભૂતકાળના કિસ્સાઓ
છેલ્લા એક દાયકામાં પાકિસ્તાની અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહિલાઓના નામે ફેક આઈડી બનાવીને સેનાના જવાનોને જાળમાં ફસાવવાના (હનીટ્રેપ) અનેક કિસ્સા બન્યા છે. ડિસેમ્બર 2019માં નેવીના 7 કર્મચારીઓની ફેસબુક દ્વારા ફસાવીને માહિતી લીક કરવા બદલ ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત, વાયુસેનાના અધિકારીઓ પર પણ યુદ્ધાભ્યાસ અને અન્ય માહિતી લીક કરવાના આરોપોસર કાર્યવાહી થઈ ચૂકી છે.
પરિવારજનો માટે જાગૃતિ અને સુરક્ષાના પગલાં
જોકે નિયમો સીધા લાગુ નથી થતા, છતાં સેના દ્વારા આંતરિક કલ્યાણ સંગઠનો અને અધિકારીઓની પત્નીઓના મંડળો દ્વારા જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. સેનાએ 2019માં પણ પરિવારોને સોશિયલ મીડિયા પરથી યુનિફોર્મવાળા ફોટોઝ અને સેના સંબંધિત વિગતો હટાવવાની સલાહ (એડવાઈઝરી) આપી હતી. આ સિવાય સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાના મુખ્યાલયો તથા ઓપરેશનલ વિસ્તારોમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર પહેલેથી જ સખત પ્રતિબંધ છે.




