કેમેરા સામે લાઈવ મર્ડર: પંજાબમાં નશાના વેપારનો પર્દાફાશ કરનાર એક્ટિવિસ્ટ પરવિન્દર ઝોટાની ગોળી મારી હત્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parvinder Jhota Case: પંજાબના માનસા જિલ્લામાં સોમવારે સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશા વિરોધી અભિયાન ચલાવનાર એન્ટિ-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર જોટાની એક મેડિકલ સ્ટોરના માલિક દ્વારા જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
મેડિકલ સ્ટોર પર થયો હતો વિવાદ અને ફાયરિંગ
મળતી માહિતી મુજબ, પરવિન્દર જોટા સોમવારે સવારે એક મેડિકલ સ્ટોર પર ગયા હતા અને ત્યાંના માલિક પર એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે નશીલી દવાઓ વેચવાનો આરોપ લગાવ્યો હતો. વાઈરલ વીડિયોમાં જોટા કેમિસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા નજરે પડે છે. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વધુ બગડ્યો હતો.
વિવાદ વધતા જ દુકાનદારે પોતાની પાસે રહેલી બંદૂક કાઢીને પરવિન્દર જોટા પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અનેક ગોળીઓ જોટાને વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોળીબારમાં જોટાની સાથે રહેલા અન્ય એક સાથીદારને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ મેડિકલ સ્ટોરનો માલિક દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આપ સરકારનો કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
દિવાળી પહેલા પંજાબમાં બનેલી આ ઘટનાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી પક્ષો કોંગ્રેસ અને શિરોમણી અકાલી દલે (SAD) રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકારને કાયદો અને વ્યવસ્થા તેમજ નશા વિરોધી અભિયાનના મુદ્દે ઘેરી છે. આગામી વર્ષની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ડ્રગ્સનો મુદ્દો રાજ્યમાં સૌથી મોટો રાજકીય વિષય બન્યો છે.
કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો
કોંગ્રેસના નેતા અમરિન્દર સિંહ રાજા વડિંગે પરવિન્દર જોટાની હત્યા માટે પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે જોટા પંજાબમાં ડ્રગ્સ સામે નિડરતાથી લડી રહ્યા હતા, પરંતુ રાજ્ય સરકાર તરફથી તેમને ક્યારેય કોઈ સહકાર કે સુરક્ષા મળી નહોતી.
બીજી તરફ, શિરોમણી અકાલી દલના વડા સુખબીર સિંહ બાદલે પણ આ ઘટના પર આઘાત વ્યક્ત કર્યો છે અને આપ સરકારના નશા વિરોધી અભિયાન 'યુધ નશેઆં વિરુદ્ધ' ને માત્ર એક દેખાડો ગણાવ્યો છે. અકાલી દલના અન્ય નેતા વિક્રમ સિંહ મજીથિયાએ પણ પંજાબમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ડ્રગ્સ સામે અવાજ ઉઠાવનારા લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.




