વિદ્યાર્થી સામે આડેધડ કાર્યવાહી કરનાર DMને ઝટકો, હાઇકોર્ટે 5 લાખ ચૂકવવા આદેશ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akriti Choudhary Case: દિલ્હી યુનિવર્સિટી (DU)ની ગર્લ સ્ટુડન્ટ અને સામાજિક કાર્યકર્તા આકૃતિ ચૌધરી પર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) લગાવવાની ગૌતમબુદ્ધ નગર પ્રશાસનની કાર્યવાહીને અલ્લાહાબાદ હાઇકોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધી છે. એટલું જ નહીં, કોર્ટે આકૃતિ ચૌધરીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે અદાલતે આ વળતરની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ ગૌતમબુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ના વ્યક્તિગત પગારમાંથી કાપવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે કોર્ટ વળતર અપાવતી હોય છે, પરંતુ કોઈ જવાબદાર અધિકારીના પગારમાંથી ચૂકવણી કરાવવાનો આદેશ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જ જોવા મળે છે.
શું હતો સમગ્ર મામલો?
આ મામલો નોઈડા-ગ્રેટર નોઈડા વિસ્તારમાં એપ્રિલ 2026 દરમિયાન થયેલા શ્રમિક આંદોલન સાથે જોડાયેલો છે. શ્રમિકો વેતન વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે દરમિયાન હિંસા અને આગ લગાડવીની ઘટનાઓ બની હતી. પોલિસે આરોપ મૂક્યો હતો કે આકૃતિ ચૌધરીએ શ્રમિકોને ઉશ્કેરીને વાતાવરણ બગાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના આધારે તેના પર NSA લાદવામાં આવ્યો હતો. આકૃતિએ પોતાની ધરપકડ અને NSA એક્શનને પડકારતી હેબિયસ કોર્પસ (Habeas Corpus) અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
હાઇકોર્ટે સરકાર અને પોલીસ સમક્ષ સાક્ષીઓ માગ્યા
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અચલ સચદેવની બેન્ચે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનને આકરા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જે આરોપોના આધારે NSA લગાવવામાં આવ્યો, તેના સમર્થનમાં કયા નક્કર પુરાવા છે? અદાલતે કથિત ભડકાઉ વીડિયો, વોટ્સએપ ચેટ અને અન્ય સામગ્રી પણ રજૂ કરવા આદેશ આપ્યો હતો. સાથે જ એ પણ જાણવા માંગ્યું હતું કે ધરપકડ પહેલા કાયદાકીય નોટિસ અને યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે નહીં.
કોર્ટની કડક ટિપ્પણી: બનાવટી વાર્તાના આધારે એક્શન લેવાઈ
તમામ રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસ કર્યા બાદ અદાલત એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે પ્રશાસન પાસે આટલી કડક કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે પૂરતા આધાર કે પુરાવા નથી. PTIના રિપોર્ટ અનુસાર, કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારનો આખો કેસ એક 'concocted story' એટલે કે રચાયેલી બનાવટી વાર્તા પર આધારિત હતો. આથી કોર્ટે NSA હેઠળ થયેલી કાર્યવાહી રદ કરીને આકૃતિ ચૌધરીને અન્ય કોઈ કેસમાં જરૂર ન હોય તો તુરંત મુક્ત કરવા આદેશ આપ્યો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટના પગારમાંથી જ વળતર કેમ?
આ ચુકાદાનું સૌથી મોટું પ્રશાસનિક મહત્ત્વ એ છે કે સામાન્ય રીતે સરકારી અધિકારીઓની ભૂલ કે નાગરિકોના અધિકારોના ઉલ્લંઘન બદલ અપાતું વળતર રાજ્ય સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવતું હોય છે. પરંતુ આ કેસમાં ગંભીર બેદરકારી અને અધિકારોનું ઉલ્લંઘન જોઈને કોર્ટે સીધી વ્યક્તિગત જવાબદેહી નક્કી કરી છે. કડક સંદેશ આપવા માટે જ DMના પોતાના પગારમાંથી આ રકમ આપવાનો અસાધારણ આદેશ કરવામાં આવ્યો છે.
ચુકાદાનું મહત્ત્વ
NSAએ દેશના સૌથી કડક કાયદાઓમાંથી એક માનવામાં આવે છે, જે હેઠળ કોઈ પણ વ્યક્તિને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય છે. આવી સ્થિતિમાં કોર્ટ સતત ભારપૂર્વક કહેતી આવી છે કે આ કાયદાનો ઉપયોગ માત્ર અસાધારણ સંજોગોમાં અને મજબૂત પુરાવાના આધારે જ થવો જોઈએ. આકૃતિ ચૌધરી કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો આ નિર્ણય એ ચર્ચાને ફરીથી કેન્દ્રમાં લાવ્યો છે કે પ્રશાસન જ્યારે સત્તાનો દુરુપયોગ કરે ત્યારે તેની વ્યક્તિગત જવાબદારી કોની રહેશે.




