શિયાળા પહેલાં જ મોટા શહેરોમાં શ્વાસ લેવો મુશ્કેલ, જાણો અમદાવાદ અને મુંબઈનું AQI લેવલ ક્યાં પહોંચ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air Pollution Spikes in Mumbai and Ahmedabad: શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ ભારતનાં મહાનગરોમાં વાયુ પ્રદૂષણનો ખતરો મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે દિલ્હી હંમેશાં પ્રદૂષણના મામલે મોખરે રહે છે, પરંતુ આ ઑક્ટોબર મહિનામાં આશ્ચર્યજનક ઉલટફેર જોવા મળ્યો છે. માયાનગરી મુંબઈ અને ગુજરાતના મેગાસિટી અમદાવાદની હવા એટલી હદે બગડી છે કે ત્યાં શ્વાસ લેવો પણ જોખમી બની ગયો છે. એક તરફ મુંબઈનું આકાશ ગાઢ ધુમ્મસથી ઘેરાયેલું છે, તો બીજી તરફ અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ચાલો સમજીએ કે આ શહેરોની હવા શા માટે આટલી હદે કથળી રહી છે.
દિલ્હી અને મુંબઈ વચ્ચે વાયુ પ્રદૂષણનો ઉલટફેર
ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીની હવાની ગુણવત્તા આ ઑક્ટોબરમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ માપવામાં આવી છે (AQI 167થી 176ની વચ્ચે). તેનાથી બિલકુલ વિપરીત, મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે. 24 ઑક્ટોબરના રોજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ મુંબઈનો સરેરાશ AQI 322 પર પહોંચી ગયો હતો, જે દિલ્હી કરતાં લગભગ બમણો છે અને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. માત્ર એક દિવસના ડેટાથી લાંબા ગાળાનું તારણ ન કાઢી શકાય, પરંતુ મુંબઈની હવા સતત બગડી રહી છે તે એક સ્પષ્ટ હકીકત છે.
મુંબઈમાં પ્રદૂષણ કેમ વધી રહ્યું છે?
મુંબઈ દરિયા કિનારે આવેલું છે, જે અગાઉ પ્રદૂષણ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થતું હતું. પરંતુ પવનની ગતિ ઓછી હોવાથી અને હવામાં ભેજ વધુ હોવાથી હવે પ્રદૂષકો યોગ્ય રીતે વિખેરાઈ શકતા નથી. 2020ના એક અભ્યાસ મુજબ મુંબઈમાં PM10 પ્રદૂષણ માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.
- પરિવહન (19.6%)
2. પવનથી ઉડતી રસ્તાની ધૂળ (19.4%)
3. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ (18.9%)
શહેરમાં ચાલતા મોટા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામના કામોને લીધે ધૂળ અને કાટમાળ હવામાં ભળે છે. ભારે ટ્રાફિક જામને કારણે વાહનોનો ધુમાડો રસ્તાઓ પર એકઠો થાય છે. આ ઉપરાંત, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના તારણ મુજબ સમુદ્રમાંથી નીકળતું સોડિયમ ક્લોરાઇડ (મીઠું) હવામાં રહેલા વાહનોના ધુમાડા, ભેજ અને ઔદ્યોગિક પ્રદૂષકો સાથે ભળીને સ્મોગ (ધુમ્મસ) બનાવે છે.
પ્રદૂષણ ઘટાડવા નવા પગલાં લેવાયાં
નવીનતમ અહેવાલો મુજબ, મુંબઈમાં કથળતી હવાને કાબૂમાં લેવા માટે BMCએ તાજેતરમાં 28 મુદ્દાની કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. બાંધકામ સાઇટ્સ પર નિયમોના પાલન માટે 76 વિશેષ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. હવે તમામ બાંધકામ સાઇટ્સને ગ્રીન નેટથી કવર કરવી તથા ધૂળ ઉડતી અટકાવવા સતત પાણીનો છંટકાવ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જોકે, વહીવટીતંત્રના આ પગલાં ગ્રાઉન્ડ લેવલ પર કેટલા અસરકારક સાબિત થશે તે જોવું રહ્યું.
અમદાવાદમાં હવાની સ્થિતિ શું છે?
મુંબઈની જેમ અમદાવાદમાં પણ હવા બગડી રહી છે. તાજેતરના ડેટા અનુસાર અમદાવાદનો સરેરાશ AQI 110થી 186ની વચ્ચે નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે 'Poor' (ખરાબ) શ્રેણી દર્શાવે છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારો જેમ કે જીઆઈડીસી જ્યાસપુર (Gyaspur)માં આ આંકડો 235 સુધી પહોંચી ગયો છે, જે અત્યંત 'Unhealthy' (અસ્વસ્થ) ગણાય છે. હવામાં મુખ્યત્વે PM2.5 (Particulate Matter એટલે હવામાં તરતા અતિ સૂક્ષ્મ ઝેરી કણો છે, જે શ્વાસ દ્વારા સીધા ફેફસાંમાં પહોંચીને ગંભીર નુકસાન કરે છે) અને PM10 સૂક્ષ્મ કણોનું પ્રમાણ જોખમી સપાટીએ જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં પ્રદૂષણ વધવા પાછળ મુખ્યત્વે ધૂળિયા રસ્તાઓ, વાહનોનો ધુમાડો, તાજેતરમાં નવરાત્રિના તહેવારો દરમિયાન વધેલો ટ્રાફિક અને શહેરની આસપાસ આવેલા ઔદ્યોગિક પ્લાન્ટ્સ જવાબદાર છે.
સાવચેતી અને સલાહ
હાલની પરિસ્થિતિને જોતા શ્વસનની તકલીફ ધરાવતા દર્દીઓ, અસ્થમાના રોગીઓ, વૃદ્ધો અને બાળકોને બપોર પછી કે સાંજના સમયે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની કડક સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત, જ્યાં સુધી હવાની ગુણવત્તામાં સુધારો ન થાય ત્યાં સુધી ખુલ્લામાં લાંબો સમય કસરત કરવાનું ટાળવું હિતાવહ છે.




