ન્યૂયોર્કમાં વેન્ટિલેટર પર રહેલા 80 ટકા દર્દીઓના મોત, યુરોપમાં કોરોનાનો કાળો કેર
- ન્યૂમોનિયાના દર્દીઓ માટે વેન્ટિલેટર ફાયદાકારક, કોરોનાના દર્દીઓને નાકમાં ટ્યુબ નાખીને ઓક્સિજન આપવાનું ચાલું કર્યું
- ડરના માર્યા લોકો પ્રિસ્ક્રિપ્શન વગર હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું સેવન કરવા લાગ્યા
ન્યૂયોર્ક, તા. 11 એપ્રિલ 2020, શનિવાર
વિશ્વના અન્ય દેશોની તુલનાએ અમેરિકા કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ સહન કરી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી પણ વધારે દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને અન્ય દેશોની સરખામણીએ સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમેરિકામાં છે.
એક અહેવાલ પ્રમાણે અમેરિકાના ન્યૂયોર્કમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા 80% જેટલા દર્દીઓના મોત થાય છે, જેથી ડોક્ટર્સની ચિંતા વધી છે. ન્યૂયોર્કના ડોક્ટર નેગિનના કહેવા પ્રમાણે જે દર્દીઓને ન્યૂમોનિયા થયેલો છે તેમના માટે વેન્ટિલેટર ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓને તેનાથી નુકસાન થઈ રહ્યું છે જેથી ડોક્ટર્સ વેન્ટિલેટરનો વિકલ્પ શોધી રહ્યા છે.
નાકમાં ટ્યુબ ખોસીને અપાઈ રહ્યો છે ઓક્સિજન
દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની જગ્યાએ ડોક્ટર તેમના નાકમાં ટ્યુબ ખોસીને ઓક્સિજન આપી રહ્યા છે અને કેટલાક ડોક્ટર્સ તો લોહીનું વહેણ વધારવા ઓક્સિજનમાં નાઈટ્રિક ઓક્સિજન પણ ભેળવી રહ્યા છે. વોશિંગ્ટન યુનિવર્સિટી ખાતેની મેડિકલ સ્કુલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટર ટિફની ઓસ્બર્નના કહેવા પ્રમાણે વેન્ટિલેટરથી દર્દીઓના ફેફસાને નુકસાન થઈ શકે છે.
આડેધડ હાઈડ્રોક્સીક્લોરોક્વીન લેવાનું પ્રમાણ વધ્યું
ન્યૂયોર્કના લોકોમાં કોરોનાનો ડર એટલી હદે પ્રસરી ગયો છે કે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર જ મેલેરિયા અટકાવતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાનું સેવન કરી રહ્યા છે. ફોર્બ્સના અહેવાલ પ્રમાણે 18 માર્ચથી છ એપ્રિલ દરમિયાન આ દવાના ઉપયોગમાં બમણો વધારો નોંધાયો છે. નિષ્ણાંતોના મતે ડાયાબિટીસના દર્દીઓ માટે આ દવા ઝેરનું કામ કરે છે.
યુરોપમાં કોરોનાનો કાળો કેર
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 980 લોકોનો ભોગ લીધો છે અને તે યુરોપમાં કોરોના વાયરસના કારણે એક દિવસમાં થયેલા સૌથી વધારે મૃત્યુ છે. બ્રિટનમાં આશરે 70,783 લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 8,958 લોકોના મોત થયા છે જેથી સરકાર લોકોને ઘરમાં રહેવાની જ ભલામણ કરી રહી છે. જ્યારે ઈટાલીમાં એક દિવસમાં સૌથી વધારે 919 અને સ્પેનમાં 950 લોકોના મોત થયા છે. ઈંગ્લેન્ડમાં 866 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. સ્કોટલેન્ડમાં 48, વેલ્સમાં 29 અને નોર્ધન આયરલેન્ડમાં 10 લોકો કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે.