'દલાઈ લામાને 'ભારત રત્ન'થી સન્માનિત કરો', 80 સાંસદોની માંગણી: PM અને રાષ્ટ્રપતિને સોંપશે પત્ર
Bharat Ratna For Dalai Lama: તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ છઠ્ઠી જુલાઈના રોજ 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન સાંસદોના એક મંચ દ્વારા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ કરાઈ છે. આ સર્વપક્ષીય મંચમાં ભાજપ, બીજેડી અને જેડીયુ જેવા પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે.
જાણો શું છે મામલો?
ઓલ પાર્ટી ઇન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટે તાજેતરમાં તેની બીજી બેઠકમાં સર્વાનુમતે દલાઈ લામાને ભારત રત્ન આપવાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો અને સરકારને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં દલાઈ લામાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાની મંજૂરી આપવાની પણ આપીલ કરાઈ હતી.
ભારત રત્ન માટે દલાઈ લામાના નામાંકન માટે ફોરમે એક સહી ઝુંબેશ પણ શરુ કરી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 80 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. ફોરમનો ઉદ્દેશ્ય 100 સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કર્યા પછી આ મેમોરેન્ડમ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને સુપરત કરવાનો છે.
દલાઈ લામાના 90મા જન્મદિવસ ઉજવણી કરાઈ હતી
તિબેટના ધર્મગુરુ દલાઈ લામાની છઠ્ઠી જુલાઈના રોજ 90મા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે હજારો ભક્તો ત્સુગલાગખાંગ મંદિરના પ્રાંગણમાં એકઠા થયા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ, રાજીવ રંજન સિંહ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, સિક્કિમના મંત્રી સોનમ લામા અને હોલીવુડ અભિનેતા રિચાર્ડ ગેરે પણ સમારોહમાં હાજરી આપી હતી.
દલાઈ લામાના ઉત્તરાધિકારી પર થઈ રહ્યો વિવાદ
ઉલ્લેખનીય છે, દલાઈ લામાના ઉત્તરાધિકારીના નામ પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચીને નિવેદન જાહેર કરી જણાવ્યું કે, દલાઈ લામાએ પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે ચીન સરકારની મંજૂરી લેવી પડશે. ચીનના નિયમો, કાયદા અને ધાર્મિક તથા ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરવું પડશે. ચીનના આ પ્રકારના નિવેદનનો દલાઈ લામાએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.