અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના અંતિમ સંસ્કારમાં ફરી દુર્ઘટના, અન્ય 7 નદીમાં તણાયા; 3ના મોત
7 People Drown In River In Bhilwara : જયપુરના ભીલવાડાના શાહપુરા પંચાયત સમિતિના ફૂલિયા કલા ગામમાં આજે સોમવારે (15 સપ્ટેમ્બર) મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં જયપુર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત લોકોના અંતિમ સંસ્કારમાં આવેલા ગ્રામજનો અને પરિવારજનો ખારી નદીમાં નહાવા ગયા હતા. આ દરમિયાન 7 લોકો નદીના પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે.
અકસ્માતમાં 7 લોકોના મોત
મળતી માહિતી મુજબ, જયપુરના શિવદાસપુરામાં ગત 14 સપ્ટેમ્બરે એક કાર અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નીપજ્યું હતા. જેમાં ફૂલિયા કલા ગામના અશોક વૈષ્ણવ, તેમની પત્ની સીમા દેવી, પુત્ર રોહિત સહિત કુલ સાત લોકોના મૃત્યુ થયા હતા. આજે સોમવારે સવારે મૃતકોના અંતિમ સંસ્કાર માટે ઘાનેશ્વર રોડ સ્થિત સ્મશાન ઘાટ લઈ ગયા હતા.
અંતિમ સંસ્કારમાં નહાવા જતાં નદીમાં તણાયાં
અંતિમ સંસ્કાર પછી, પરિવાર અને ગ્રામજનો ખારી નદી પાસે નહાવા ગયા હતા. આ દરમિયાન વિજય પ્રતાપ સિંહ (ઉં.વ.30), મુકેશ ગોસ્વામી (ઉં.વ.25), મહેન્દ્ર માલી (ઉં.વ.25), બરડી ચંદ (ઉં.વ.34), મહેશ (ઉં.વ.32), રાકેશ (ઉં.વ.28) અને જીવરાજ (ઉં.વ.30) નદીમાં ડૂબ્યા હતા. જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક રાકેશ, જીવરાજ, વિજય પ્રતાપ સિંહ અને મુકેશ ગોસ્વામીને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમાંથી ત્રણને ગંભીર હાલતમાં શાહપુરા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં મહેન્દ્ર માલી અને બરડી ચંદ સહિત ત્રણના ડૂબવાથી મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જિલ્લા કલેક્ટર, એસપી અને સાંસદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સતત બીજા દિવસે બનેલી આ દુર્ઘટનાને કારણે ગામમાં શોક છવાયો છે.