mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 60 ટકા મતદાન, લોકસભાની 486 બેઠકો પર વોટિંગ પ્રક્રિયા સમાપ્ત

Updated: May 26th, 2024

છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 60 ટકા મતદાન, લોકસભાની 486 બેઠકો પર વોટિંગ પ્રક્રિયા સમાપ્ત 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો પર આશરે ૬૦ ટકા જેટલુ મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૮.૧૯ ટકા મતદાન થયું હતું. આ દરમિયાન રાજ્યમાં કેટલીક હિંસાઓ અને ઇવીએમ ખરાબ થવાની પણ ઘટનાઓ સામે આવી હતી. ચૂંટણી પંચે સાંજે ૭.૪૫ કલાકે જાહેર કરેલા આંકડા મુજબ ઝારખંડમાં ૬૨.૭૪ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૪.૦૩ ટકા, ઓડિશામાં ૬૦ ટકા, દિલ્હીમાં ૫૪.૪૮, જમ્મુ કાશ્મીરમાં ૫૨.૨૮ ટકા મતદાન થયું હતું.

આ તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૪, હરિયાણાની ૧૦, બિહાર અને બંગાળની આઠ-આઠ, ઓડિશાની છ, ઝારખંડની ચાર, જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના અનંતનાગ-રાજૌરીમાં સૌથી વધુ ૫૨.૨૮ મતદાન નોંધાયું છે. આ છઠ્ઠા તબક્કા સાથે જ લોકસભાની ૫૪૩માંથી ૪૮૬ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાથે જ ૨૮ રાજ્યોમાં પણ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. હવે એક જુનના રોજ સાતમા અને અંતિમ તબક્કાની ૫૭ બેઠકો પર મતદાન યોજાશે અને ચાર જુનના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. ભારે ગરમી અને ઉંચા તાપમાન વચ્ચે પણ મતદારોએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આશરે ૧.૧૪ મતદાન મથકો પર ચૂંટણી પંચે આશરે ૧૧.૪ લાખ ચૂંટણી કર્મચારીઓને તૈનાત કર્યા હતા. 

દરમિયાન જમ્મુ કાશ્મીરના અનંતનાગ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તી શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર અનંતનાગમાં બિજબેહરા પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમારા પક્ષના કાર્યકર્તાઓ અને પોલિંગ એજન્ટોની ગેરકાયદે અટકાયત કરવામાં આવી છે જ્યારે મારા મોબાઇલની આઉટ ગોઇંગ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર, હરદીપસિંહ પુરી, દિલ્હીના મંત્રી આતિશી વગેરેએ મતદાન કર્યું હતું. સીપીઆઇએમના નેતા બ્રિંદા કરાતે કહ્યું હતું કે ઇવીએમની બેટરી ઉતરી જતા મતદાન અટકી ગયું હતું અને અમારે એક કલાક સુધી રાહ જોવી પડી હતી. ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે ૧૫ મિનિટમાં બેટરી બદલી લેવામાં આવી હતી. 

 લોકસભાની સાથે ઓડિશાની વિધાનસભાની ૪૨ બેઠકો પર પણ મતદાન યોજાયું હતું. જ્યારે હરિયાણાના કર્નાલની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક તત્કાલીન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની માટે ખાલી કરી આપી હતી. પશ્ચિમ બંગાળમાં આદિવાસી વિસ્તાર જંગલ મહલ પ્રાંતમાં મતદાન યોજાયું હતું. ઘાટલ વિસ્તારમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી હતી. મિન્દાપોરમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલ સામે ટીએમસીના કાર્યકર્તાઓએ ગો બેકના નારા લગાવ્યા હતા. 

જ્યારે બંગાળમાં ટમલુક બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાઇકોર્ટના પૂર્વ જજ અભિજિત ગંગોપાધ્યાય સામે લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતા. ગંગોપાધ્યાયએ મમતા અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંગાળમાં અમને ઇવીએમ ખરાબ થવા, એજન્ટોને બૂથમાં જતા અટકાવવા સહિતની આશરે ૯૫૪ જેટલી ફરિયાદો મળી હતી. ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે મતદાન શાંતિપૂર્વક યોજાયું હતું. દરમિયાન ભાજપના ઉમેદવાર સૌમેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસી અને અર્ધ સૈન્ય દળના જવાનો અમારી સામે કામ કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને તેઓ મારી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ અર્ધ સૈન્ય દળ સામે ધરણા પ્રદર્શન પણ કર્યા હતા. ઝારગામના ભાજપના ઉમેદવાર પ્રતાપ ટુડુએ દાવો કર્યો હતો કે મારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા માટે ટીએમસી કાર્યકર્તાઓને તેમણે જવાબદાર ઠેરવ્યા હતા.

Gujarat