Jaipur Hotel Collapses : જયપુરના માલવિયા નગર સેક્ટર 9માં નિર્માણાધીન પાંચ માળની હોટલ નમી જતાં મોટી દુર્ઘટના થતા ટળી છે. બેઝમેન્ટમાં ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઇમારત એક તરફ નમી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને જયપુર વિકાસ સત્તામંડળ(JDA) અને વહીવટીતંત્રએ ઇમારત તોડી પાડવાનું નક્કી કર્યુ હતું. આ પછી માત્ર પાંચ સેકન્ડમાં આખી ઇમારત પત્તાના ઘરની જેમ તૂટી પડી હતી.
હોટલમાં તિરાડ પડતાં તંત્ર ઘટનાસ્થળે, ઇમારત તોડી પડાઈ
જયપુરમાં નિર્માણાધીન પાંચ માળની હોટલની કામ ચાલી રહ્યું હતું, ત્યારે દીવાલોમાં તિરાડ પડતાં ઇમારત એક બાજુ નમી જતાં શ્રમિકો સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને તંત્ર દ્વારા ઇમારતને ચકાસણી કરીને તેને પાડવાનો નિર્ણય લીધો હતો. આ પછી બિલ્ડિંગ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.
હોટલ માલિકે કાર્યવાહીનો વિરોધ કર્યો
હોટલ માલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને JDAની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પરવાનગી મેળવી હતી અને રૂ.1.25 લાખ જમા કરાવ્યા હતા. તેમ છતાં હોટલને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને તોડી પાડવામાં આવી હતી.
જ્યારે JDA ઝોન 1ના અધિકારીએ જણાવ્યું હતું કે, હોટલ રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવી રહી હતી, જે કૉમર્શિયલ પ્રવૃત્તિઓ માટેના નિયમોનું ઉલ્લંઘન છે. બેઝમેન્ટમાં ખોદકામ અયોગ્ય રીતે કરવામાં આવી રહ્યું હતું અને કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.
આ પણ વાંચો: DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો
ફક્ત 7 મહિનામાં આખી 5 માળની ઇમારત પૂર્ણ થઈ ગઈ હતી, અને બાહ્ય કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. જોકે, બેઝમેન્ટમાં તિરાડો પડતાં ઇમારત નમી ગઈ હતી. અધિકારીઓએ નિયંત્રિત રીતે ઇમારત તોડી પાડીને મોટી દુર્ઘટના ટાળી હતી. આ પછી આસપાસના રહેવાસીઓ અને વહીવટીતંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.


