44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી.... સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે
Image Source: Twitter
Huge Wealth Found With A Government Employee In Odisha: એક સામાન્ય સરકારી કર્મચારી કેટલી કમાણી કરી શકે છે? શું એક મોટર વાહન નિરીક્ષક (MVI) પોતાની સેલેરીથી 44 પ્લોટ, એક કિલો સોનું, બે કિલો ચાંદી અને 1.25 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ બનાવી શકે છે? બૌધ જિલ્લામાં તહેનાત ગોલાપ ચંદ્ર હાંસદા પાસેથી મળી આવેલી અકૂત સંપત્તિ બાદ ઓડિશા વિજિલન્સ વિભાગ આ જ સવાલોના જવાબ તલાશી રહી છે.
એક ગુપ્ત ફરિયાદના આધારે કાર્યવાહી કરતા વિભાગે હાંસદાના છ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ તેમની વાસ્તવિક સંપત્તિ સામે આવી છે. સરકારી દસ્તાવેજો અને ફિઝિકલ વેરિફિકેશનમાં જે આંકડા સામે આવ્યા તે જોઈને દરોડા પાડનારા અધિકારીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.
તપાસમાં શું-શું સામે આવ્યું?
એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે વિજિલન્સ વિભાગે દરોડામાં હાંસદા અને તેમના પરિવાર પાસે કુલ 44 પ્લોટ, એક કિલો સોનું, 2.126 કિલો ચાંદી અને 1.34 કરોડ રૂપિયાથી વધુની બેંક ડિપોઝિટનો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં તપાસ ટીમને 2.38 લાખ રૂપિયા રોકડા અને એક ડાયરી પણ મળી આવી છે જેમાં કથિત બેનામી સંપત્તિના વ્યવહારોની સંપૂર્ણ વિગતો નોંધાયેલી છે. ડાયરીમાં બીજી એક ચોંકાવનારી વાત એ સામે આવી કે તેમણે પોતાની દીકરીના મેડિકલ શિક્ષણ પાછળ 40 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
43 પ્લોટ તો એક જ શહેરમાં
હાંસદાના નામ અને તેમના પરિવારના સભ્યોના નામે મળેલા 44 પ્લોટમાંથી 43 પ્લોટ બારીપાડા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં છે. એક પ્લોટ બાલાસોરની બહાર મળી આવ્યો છે. આ તમામ જમીનોની રજિસ્ટ્રી કિંમત 1.49 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, પરંતુ રિયલ માર્કેટ વેલ્યુ આનાથી ઘણી વધારે હોઈ શકે છે. આ ઉપરાંત હાંસદા પાસે 3300 ચોરસ ફૂટનું બે માળનું ઘર પણ છે, જે બારીપાડામાં છે. ઘરની ડિઝાઈન અને ભવ્યતા એ કહેવા માટે પૂરતી છે કે તેના પર લાખો રૂપિયા ખર્ચ થયા હશે.
1991થી કરી રહ્યો છે નોકરી
ગોલાપ ચંદ્ર હાંસદાએ 1991માં સરકારી સેવામાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેમણે સંબલપુર અને દેવગઢના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)માં કામ કર્યું. વર્ષ 2003માં તેમને જુનિયર MVI તરીકે પ્રમોટ કરવામાં આવ્યા અને ઘણા જિલ્લાઓમાં પોસ્ટિંગ મળ્યું. 2020માં પૂર્ણ MVI તરીકે બૌદ્ધ RTO ઓફિસમાં તહેનાત થયા, જ્યાં તેઓ અત્યાર સુધી કાર્યરત છે. તેમનો માસિક પગાર 1.08 લાખ છે, એટલે કે વાર્ષિક આવક લગભગ 13 લાખ છે. પરંતુ આ આવકમાંથી આટલા બધા પ્લોટ, ઘરેણાં અને બેંક બેલેન્સ કેવી રીતે બન્યું, તે હવે એક મોટી તપાસનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો: અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી
વિજિલન્સ વિભાગની ટેકનિકલ વિંગે હાંસદાના તમામ પ્લોટ અને ઈમારતોનું માપન અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંપત્તિઓનું બજાર મૂલ્ય શું છે અને તે કયા સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બેનામી વ્યવહારોની શંકાના કારણે તેમના નજીકના સંબંધીઓ, પત્ની અને પરિવારના અન્ય સભ્યોના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જપ્ત કરાયેલી ડાયરી પુરાવાનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બની
દરોડા દરમિયાન જપ્ત કરાયેલી ડાયરી આ સમગ્ર કેસનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. તેમાં મિલકતની ખરીદી અને બીજા કોઈના નામે કરવામાં આવેલા રોકાણો સાથે સંબંધિત તમામ વ્યવહારોની વિગતો છે. ડાયરીમાં નોંધાયેલી રકમ અને તારીખો એ બાબત તરફ ઈશારો કરે છે કે, આ કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે, પરંતુ એક સુનિયોજિત અને લાંબા સમયથી ચાલતું નેટવર્ક હોઈ શકે છે.
આગળ વધુ ખુલાસાની શક્યતા
વિજિલન્સ વિભાગનું કહેવું છે કે, આ પ્રાથમિક તબક્કાની કાર્યવાહી છે અને આગળની તપાસમાં વધુ સંપત્તિઓ અને લેવડ-દેવડ સામે આવી શકે છે. જો હાંસદા દોષિત ઠરે છે, તો તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે અને સસ્પેન્શનની કાર્યવાહી શક્ય છે.