(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
કોરોના મહામારીને કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને પગલે ભારતના અસંગઠિત ક્ષેત્રના ૪૦ કરોડ કામદારો ગરીબીમાં ધકેલાઇ જશે તેમ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઇએલઓ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસનો લોકડાઉન અમલમાં છે. આઇએલઓના જણાવ્યા અનુસાર ભારતમાં જો કોરોનાના કેસો વધશે તો સ્થિતિ કાબૂમાં લેવા માટે તેની પાસે પૂરતા સંશાધનો નથી.
જીનિવામાં જારી કરાયેલા આઇએલઓના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના અંકુશમાં લેવા માટે લોકડાઉન સહિતના ઉપાયોને કારણે ભારત, નાઇજિરિયા અને બ્રાઝીલમાં અંગઠિત ક્ષેત્રના કરોડો કામદારોની આજીવિકા બંધ થઇ ગઇ છે.
ભારતમાં ૯૦ ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તે પૈકી ૪૦ કરોડ કામદારોં વધુ ગરીબીમાં ધકેલાઇ જશે. ભારતમાં અનેક લોકોને ગ્રામીણ વિસ્તારોમાં પરત જવાની ફરજ પડશે.
હોટેલ અને ફૂડ સર્વિસ, મેન્યુફેકચરિંગ, રીટેલ, બિઝનેસ અને એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરને સૌથી વધુ અસર થશે. વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોમાં કોરોનાને કારણે અનેક લોકો નોકરી ગુમાવશે.
બીજી તરફ આફ્રિકાના દેશોમાં પણ આ જ પરિસ્થતિ છે. ત્યાં પણ અસંગઠિત ક્ષેત્રના અનેક લોકો નોકરી ગુમાવશે. કોરોનાને કારણે આવેલી મંદીને કારણે વૈશ્વિક સ્તરે કામદારોના કામના કલાક ઘટી જશે. ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે.


