4 હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાઉ જવાબ
Meghalaya 4000 Tonnes Of Coal Go Missing: મેઘાલયમાં અચાનક 4000 ટન કોલસાનો ગુમ જથ્થો ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મેઘાલયના મંત્રીએ કોલસા ગુમ થવા પાછળનું કારણ ધોધમાર વરસાદ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, મૂશળધાર વરસાદના કારણે કોલસો પાણીના પ્રવાહમાં વહી ગયો છે.
મેઘાલય હાઈકોર્ટે રાજ્ય સરકારને કોલસો ગુમ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મેઘાલય સરકારે આબકારી મંત્રી કિરમેન શાયલાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે.
મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ
મીડિયા સાથે વાતચીત દરમિયાન મેઘાલયે આબકારી મંત્રી કિરમેન શાયલાએ જણાવ્યું હતું કે, મેઘાલયમાં મૂશળધાર વરસાદ થયો હતો. જેના લીધે કદાચ કોલસો (4000 ટન) પાણીમાં વહી ગયો હશે. તેની શક્યતા વધુ જણાઈ રહી છે. હું માત્ર વરસાદને કારણભૂત નથી ગણાવી રહ્યો, પરંતુ હું સંભાવના વ્યક્ત કરી રહ્યો છું કે, આમ થઈ શકે. તેની પાછળનું વાસ્તવિક કારણ કોઈ જાણતું નથી.
આ પણ વાંચોઃ BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર
મંત્રીએ માત્ર સંભાવનાઓ વ્યક્ત કરી
કિરમેન શાયલાએ વધુમાં કહ્યું કે, બની શકે કે કોઈ રોજી-રોટી માટે કોલસો લઈ ગયુ હોય. કારણકે, કોઈપણ વ્યક્તિ પોતાના રાજ્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સરકારના સાયન્ટિફિક માઈનિંગના વિચારથી રાજ્યમાં તમામ ખુશ હતા. મને લાગે છે, અમારા લોકો આવુ કરી શકે નહીં. તેમણે ખાતરી કરી હતી કે, રાજ્યમાં કોલસાનું માઈનિંગ અને પરિવહન કાયદા અંતર્ગત થઈ રહ્યું છે. તેમજ ઓથોરિટી ગેરકાયદે ગતિવિધિઓ ન થાય તે સુનિશ્ચિત કરી રહી છે.
રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કોલસા ખાણકામ અને પરિવહનના આરોપો અંગે શાયલાએ કહ્યું કે આવા દાવાઓને સ્થાપિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર છે અને આવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે બહુવિધ વિભાગો જવાબદાર છે.
શું છે સમગ્ર ઘટના
મેઘાલયના રાજાજૂ અને ડિએંગન ગામમાંથી લગભગ 4000 ટન કોલસો ગુમ થઈ ગયો છે. હાઈકોર્ટે 25 જુલાઈના રોજ આ મામલે સુનાવણી કરતાં રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા હતાં. કોલસાને ગેરકાયદે રીતે ગુમ કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે, મેઘાલયમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા 2014 માં કોલસા ખાણકામ અને પરિવહન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રચલિત વ્યાપક અનિયંત્રિત અને અસુરક્ષિત ખાણકામ પ્રથાઓ, ખાસ કરીને વિવાદાસ્પદ ખાણકામ તકનીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.