India

પાકિસ્તાન સહિત 3 મુસ્લિમ દેશો અચાનક પહોંચ્યા ઈરાન, બંધ બારણે બેઠકથી ટ્રમ્પનું વધ્યું ટેન્શન?

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની ધમકીઓ વચ્ચે મિડલ ઈસ્ટના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે ચાર-પક્ષીય બેઠક યોજાઈ હતી. 26 ઓક્ટોબરના રોજ યોજાયેલી આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, ઈઝરાયલ-અમેરિકાની સૈન્ય આક્રમકતા અને પશ્ચિમ એશિયાની સ્થિરતા અંગે ચર્ચા થઈ. આ બેઠક પાકિસ્તાનના પ્રસ્તાવ અને ઈરાનની સહમતિથી યોજાઈ હતી, જે મુસ્લિમ દેશોની એકતા પર ભાર મૂકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન સહિત 3 મુસ્લિમ દેશો અચાનક પહોંચ્યા ઈરાન, બંધ બારણે બેઠકથી ટ્રમ્પનું વધ્યું ટેન્શન?
Image Source - Tehran Times X

Iran Quad Summit : અમેરિકા દ્વારા ઈરાન પર ફરી હુમલા કરવાની સતત અપાઈ રહેલી ધમકીઓ વચ્ચે મિડલ ઈસ્ટના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. અમેરિકાના સહયોગી ગણાતા ત્રણ દેશો પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અચાનક ઈરાનના પાટનગર તેહરાન પહોંચ્યા છે. સોમવાર, 26 ઓક્ટોબરના રોજ આ ચારેય દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, ઈઝરાયલ-અમેરિકાની સૈન્ય આક્રમકતા અને પશ્ચિમ એશિયાની સ્થિરતા અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચાર-પક્ષીય બેઠક યોજાઈ હતી.

તેહરાન બેઠકમાં કયા મોટા નેતાઓ સામેલ થયા

આ ચાર-પક્ષીય બેઠકમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈ, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી ખાલિદ બિન સલમાન, પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર અને તુર્કીની ગુપ્તચર સંસ્થાના વડા ઈબ્રાહિમ કલિન ઉપસ્થિત રહ્યા હતા. આ ચર્ચા પાકિસ્તાનના પ્રસ્તાવ અને ઈરાનની સહમતિથી આયોજિત કરવામાં આવી હતી.

બેઠકમાં કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ

આ બેઠકમાં મુખ્યત્વે ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીથી ઊભા થયેલા પરિણામો, પેલેસ્ટાઈન અને લેબનાનના નાગરિકોને સહાય પહોંચાડવા તેમજ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દેશો માને છે કે પ્રાદેશિક સુરક્ષા બહારની દખલગીરી વગર માત્ર આપસી સહયોગ અને ભાગીદારીથી જ શક્ય બની શકે છે.

ઈરાને મુસ્લિમ દેશોની એકતા પર મૂક્યો ભાર

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને મુસ્લિમ દેશો વચ્ચે એકતાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે આવા પ્રભાવશાળી ઈસ્લામિક દેશોનું સાથે આવવું પ્રાદેશિક સુરક્ષા માટે મજબૂત કદમ છે. ઈરાની વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે છેલ્લા 2 વર્ષની ઘટનાઓ દર્શાવે છે કે પરસ્પર વિશ્વાસ અને પોતાની ક્ષમતા વિના આ વિસ્તારમાં સ્થિરતા લાવી શકાય નહીં.

મિડલ ઈસ્ટમાં નવા સમીકરણો અને અમેરિકાની ભૂમિકા

આ બેઠક પાછળ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાઓ સામેનો નવો મોરચો છે કે નહીં તે અંગે વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકા ઈચ્છે છે કે ખાડીના દેશો ઈઝરાયલ સાથે સમજૂતી કરી વિવાદો ઉકેલે, પરંતુ યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાઓથી ઘેરાયેલા સાઉદી અરેબિયા અને પરમાણુ મુદ્દે ઘેરાયેલા ઈરાન વચ્ચે આ સંવાદ પ્રાદેશિક શક્તિ સંતુલન બદલી શકે તેમ છે.