નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન
Ujjwala Scheme : કેન્દ્ર સરકારે તહેવાર ટાણે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન આપવામાં આવશે. સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં મોટું પગલું ફરીને વધુ 25 લાખ LPG કનેક્શન આપવાની જાહેરાત કરી છે.
દેશભરમાં લાભાર્થીઓની સંખ્યા વધીને 10.60 કરોડ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને નવરાત્રિના પાવન અવસર પર માતાઓ અને બહેનો માટે ભેટ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, આ પગલું મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ કનેક્શન સંપૂર્ણપણે મફત હશે. આ સાથે દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.60 કરોડ થશે.
સરકાર દરેક કનેક્શન પર રૂ. 2050 ખર્ચ કરશે
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ નિર્ણયની પ્રશંસા કરી કહ્યું કે, આ પગલું વડાપ્રધાન દ્વારા મહિલાઓ દેવી દુર્ગા જેવું સન્માન આપવા સમાન છે. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દરેક કનેક્શન પર રૂ. 2050 ખર્ચ કરશે, જેમાં લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડરની સાથે ગેસ ચૂલો અને રેગ્યુલેટર વગેરે ફ્રી આપવામાં આવશે.
સિલિન્ડર માત્ર રૂપિયા 533માં
હાલમાં કેન્દ્ર સરકારની ઉજ્જવાલ યોજનામાં કુલ 10.33 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયેલા છે, જેમાં સરકાર દ્વારા અપાતી રૂપિયા 300 સબસિડી સાથે સિલિન્ડર માત્ર રૂપિયા 533 આપવામાં આવે છે, જે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછો ભાવ છે.