કોરોનાને 'લૉકઅપ' કરવા દેશમાં 21 દિવસનું લોકડાઉન
- કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળે : પીએમ
- કોરોનાના દર્દીઓની સારવાર અને સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવા કેન્દ્ર સરકાર દ્વારા 15 હજાર કરોડની જોગવાઈ કરાઈ
દેશને આર્થિક નુકસાન થશે, પરંતુ એક-એક ભારતીયનું જીવન બચાવવું આ સમયે ભારત સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા
કોરોના મુદ્દે સપ્તાહમાં બીજી વખત મોદીનું દેશને સંબોધન : 21 દિવસ લોકડાઉન નહીં જળવાય તો દેશ 21 વર્ષ પાછળ ધકેલાશે
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2020, મંગળવાર
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તાહમાં બીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં મંગળવારે રાતથી જ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને તેમના ઘરની બહાર લક્ષ્મણ રેખા દોરીને આગામી 21 દિવસ સુધી ઉલ્લંઘન નહીં કરવા સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લોકડાઉન જનતા કરફ્યુ કરતાં વધુ કડક એવા કરફ્યુ સમાન છે અને તેનું ચુસ્તતા પૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના વાઈરસને અટકાવવા માટે આ કરફ્યુ ખૂબ જ જરૂરી છે તેમ મોદીએ વારંવાર જણાવ્યું હતું.
જનતા કરફ્યુની સફળતા માટે અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8.00 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવાસીઓને જનતા કરફ્યુની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું 22મી માર્ચે આપણે જનતા કરફ્યુનો જે સંકલ્પ લીધો હતો તે પૂરો કરવા માટે એક રાષ્ટ્ર તરીકે દરેક ભારતવાસીએ સંપૂર્ણ સંવેદનશીલતા અને જવાબદારી સાથે તેનું યોગદાન આપ્યું છે. બાળક, વૃદ્ધ, ગરીબ-મધ્યમ વર્ગ દરેક વર્ગના લોકોએ પરીક્ષાના આ સમયમાં સરકારને સાથ આપ્યો છે.
જનતા કરફ્યુને દરેક ભારતવાસીએ સફળ બનાવ્યો
જનતા કરફ્યુએ બતાવી દીધું છે કે જ્યારે દેશ અને માનવતા પર સંકટ આવે છે તો આપણે બધા ભારતીય મળીને એકત્ર થઈ તેનો સામનો કરીએ છીએ. તમે બધા જનતા કરફ્યુની સફળતા માટે અભિનંદનને પાત્ર છો.
સોશિયલ ડિસ્ટન્સિંગ એકમાત્ર ઉપાય
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના શક્તિશાળી દેશો પણ કોરોનાની બીમારી સામે લાચાર બની ગયા છે. આ દેશો પ્રયાસ નથી કરી રહ્યા આૃથવા તેમની પાસે સંશાધનો નથી એવું નથી.
હકીકત એ છે કે આ દેશો મેડીકલની બાબતમાં શ્રેષ્ઠતમ સુવિધાઓથી સજ્જ છે. પરંતુ આ વાઈરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તેની સામે તમામ તૈયારીઓ અને પ્રયાસો છતાં પડકારો વધતા જ જાય છે.
આ દેશોના બે મહિનાના અભ્યાસ પછી જે નિષ્કર્ષ નીકળ્યો છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આ કોરોનાથી અસરકારક સામનો કરવાનો એકમાત્ર વિકલ્પ 'સોશિયલ ડિસ્ટન્સિંગ' એટલે કે સામાજિક અંતર છે. એટલે કે લોકોએ એકબીજાથી અંતર જાળવવું જોઈએ અને પોતાના ઘરોમાં જ રહેવું જોઈએ. કોરોનાથી બચવા માટે આનાથી વધુ સારો કોઈ ઉપાય નથી.
તમારૂં ખોટું પગલું દેશને મુશ્કેલીમાં મૂકી શકે
વડાપ્રધાને કહ્યું કે કોરોનાનો પ્રસાર અટકાવવો હોય તો તેના સંક્રમણની સાઈકલ તોડવી જ પડશે. કેટલાક લોકોને એવી ગેરસમજ છે કે સામાજિક અંતર માત્ર દર્દીઓ માટે છે. આ વિચાર યોગ્ય નથી.
સામાજિક અંતર દરેક નાગરિક અને પરિવાર માટે છે. તે વડાપ્રધાન માટે પણ છે. કેટલાક લોકોની બેદરકારી અને ખોટું પગલું તમને અને તમારા માતા-પિતા, બાળકો, પરિવાર, મિત્રો અને આગળ જઈને આખા દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી આવી બેદરકારી ચાલુ રહેશે તો ભારતે તેની મોટી કિંમત ચૂકવવી પડશે.
દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન
વડાપ્રધાને કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતો અને અન્ય દેશોના અનુભવોને ધ્યાનમાં રાખતા દેશ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યો છે. આજે રાતે 12 વાગ્યાથી આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન થઈ રહ્યું છે.
તેના લાગુ થતાં જ લોકોને ઘરોમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો છે. દેશના દરેક રાજ્ય, જિલ્લા, કસબા, ગલીને હવે લોકડાઉન કરાઈ રહ્યો છે. આ જનતા કરફ્યુથી કેટલાક પગલાં આગળની વાત છે. જનતા કરફ્યુ કરતાં વધુ કડક. કોરોના સામે નિર્ણાયક યુદ્ધ માટે આ પગલું ખૂબ જ આવશ્યક છે.
વડાપ્રધાને કહ્યું કે આ લોકડાઉનથી દેશને આિર્થક નુકસાન થશે. પરંતુ એક-એક ભારતીયનું જીવન બચાવવું આ સમયે ભારત સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા છે. તેથી હું હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે તમે આ સમયે દેશમાં જ્યાં પણ છો, ત્યાં જ રહો. વર્તમાન સિૃથતિને જોતાં દેશમાં આ લોકડાઉન 21 દિવસનું હશે.
ઘરની બહાર તમારૂં એક પગલું કોરોનાને અંદર બોલાવશે
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાઈરસના સંક્રમણની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ મહત્વનો છે. આ 21 દિવસ નહીં સંભાળીએ તો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ ધકેલાઈ જશે. કોરોનાએ તમારા ઘરની બહાર એક લક્ષ્મણ રેખા દોરી દીધી છે. તમે યાદ રાખો કે ઘરની બહાર જનારૂં તમારૂં એક પણ પગલું કોરોના જેવી ગંભીર બીમારીને તમારા ઘરમાં લાવી શકે છે.
લક્ષણ દેખાવામાં દિવસો લાગી શકે
વડાપ્રધાને કહ્યું કે નિષ્ણાતો પણ કહે છે કે જો કોઈ વ્યક્તિમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તેના લક્ષણ દેખાવામાં કેટલીક વખત અનેક દિવસ લાગી શકે છે. આ દરમિયાન તે અજાણતામાં તેના સંપર્કમાં આવનારી અનેક વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.
ચાર જ દિવસમાં એક લાખને ચેપ લાગ્યો
વડાપ્રધાને વિશ્વ આરોગ્ય સંસૃથાના એક રિપોર્ટને ટાંકીને કહ્યું કે આ રિપોર્ટમાં કોરોનાના પ્રસારની ગંભીરતા જણાવાઈ છે. આ રિપોર્ટ મુજબ કોરોનાનું સંક્રમણ વિશ્વમાં પહેલા એક લાખ લોકો સુધી પહોંચવામાં 67 દિવસ લાગ્યા. ત્યાર પછી માત્ર 11 દિવસમાં બીજા એક લાખ લોકો સંક્રમિત થઈ ગયા હતા. એટલે કે બે લાખ થઈ ગયા. બેથી ત્રણ લાખ લોકો સુધી સંક્રમણ પહોંચવામાં માત્ર ચાર જ દિવસ લાગ્યા. તમે અંદાજ લગાવી શકો છો કે કોરોના કેટલી ઝડપથી ફેલાય છે. તે ફેલાવાનું શરૂ થાય છે તો તેને અટકાવવો મુશ્કેલ છે. આ જ કારણે ચીન, ઈટાલી, ઈરાન, ફ્રાન્સ, અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે અનેક દેશોમાં કોરોનાની સિૃથતિ નિયંત્રણ બહાર છે.
લોકડાઉનમાં શું ચાલુ, શું બંધ રહેશે
બંધ રહેશે
સરકારી અને ખાનગી ઓફિસો.* હવાઈ, રેલવે અને બસ સેવાઓ.* દરેક પ્રકારની જાહેર પરિવહન સેવાઓ.* મોલ, મેરેજ હોલ, જિમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ જેવા જાહેર સ્થળો.* રેસ્ટોરાં, દુકાનો, * ધાર્મિક સ્થળો, શિક્ષણ સંસ્થાઓ.* બધી ફેક્ટરીઓ, ગોદામો, વર્કશોપ, સાપ્તાહિક બજારો. * અંતિમ સંસ્કારમાં 20 વ્યક્તિથી વધુને મંજૂરી નહીં
ચાલુ રહેશે
પોલીસ, * પોસ્ટ ઓફિસ, હવામાન ખાતું * હોસ્પિટલ અને દવાખાના * શાકભાજી, ફળો અને દવાની દુકાન. * બેન્ક, ઈન્સ્યોરન્સની ઓફિસો અને એટીએમ.
પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા. * ઈ-કોમર્સ મારફત દવા, મેડિકલ સાધનોની ડિલિવરી ચાલુ રહેશે. * પેટ્રોલ પંપ, એલપીજી પંપ, ગેસ રીટેલ ખુલ્લા રહેશે.