છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ

Naxals from Dandakaranya Surrender: આજે એટલે કે 17 ઑક્ટોબર 2025ના રોજ છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે, જ્યાં 208 નક્સલવાદીઓએ કુલ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આના પરિણામે, અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની જશે અને ઉત્તર બસ્તરમાંથી લાલ આતંકનો અંત આવશે, જેના પછી આ નક્સલવાદીઓને નવું જીવન શરુ કરવામાં મદદ કરવામાં આવશે, હવે માત્ર દક્ષિણ બસ્તરમાં જ થોડી સમસ્યા બાકી રહી છે.
દંડકારણ્યમાં 258 નક્સલવાદીઓનું ઐતિહાસિક આત્મસમર્પણ
છત્તીસગઢ અને કેન્દ્ર સરકારના પ્રયાસો ફળી રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કુલ 258 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં છત્તીસગઢના 197 અને મહારાષ્ટ્રના 61 નક્સલવાદીઓ સામેલ છે. આજનું આ સરેન્ડર દંડકારણ્યનું સૌથી મોટું આત્મસમર્પણ ગણાય છે, જેમાં ઘણા મોટા કમાન્ડર પણ જંગલોમાંથી નીકળીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, 'અબૂઝમાડ અને ઉત્તર બસ્તર હવે નક્સલ મુક્ત છે અને સરકારનો લક્ષ્ય 31 માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાત્મો કરવાનો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના મતે, આ શાંતિ અને વિકાસનો નવો યુગ છે, કારણ કે નક્સલવાદ દરેક મોરચે હારી રહ્યો છે.'
આત્મસમર્પણ સમયે 153 હથિયારો જમા કરાવ્યા
નક્સલવાદી સંગઠન પાસે ઘણા ઘાતક હથિયારો હતા. આત્મસમર્પણ સમયે તેમણે કુલ 153 હથિયારો જમા કરાવ્યા. જેમાં લેટેસ્ટ અને જૂના એમ બંને પ્રકારના હથિયારો છે. જેમાં 19 AK-47 રાઇફલ, 17 SLR રાઇફલ, 23 INSAS રાઇફલ, 1 INSAS LMG, 36 .303 રાઇફલ, 4 કાર્બાઇન, 11 BGL લૉન્ચર, 41 12 બોર/સિંગલ શૉટ, 1 પિસ્તોલ મળી આવ્યા છે.
ભારતનો અંતિમ મોટો નક્સલ ગઢ 'અબૂઝમાડ' સરેન્ડરને પગલે નક્સલ મુક્ત
નક્સલવાદીઓ વર્ષોથી છુપાયેલા રહેતા હતા તેવો છત્તીસગઢનો ગાઢ જંગલ વિસ્તાર અબૂઝમાડ, જે ભારતનો છેલ્લો મોટો નક્સલ ગઢ હતો, તે આજના સરેન્ડરને કારણે લગભગ નક્સલ મુક્ત થઈ ગયો છે. હવે ઉત્તર બસ્તર પણ શાંત છે. આ શાંતિના કારણે, અહીં વિકાસના કામો – જેમ કે રસ્તાઓ, શાળાઓ અને હૉસ્પિટલો બનાવવાના કામ ઝડપી થશે, તેમજ લોકો પણ ડર વગર રહી શકશે.
આ પણ વાંચો: દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન
નક્સલવાદીઓ માટે 'નવું જીવન' પુનર્વસન કાર્યક્રમ
સરેન્ડર કરનાર નક્સલવાદીઓને માત્ર માફી જ નહીં, પરંતુ એક નવું જીવન આપવા માટે સરકાર પાસે પુનર્વસન કાર્યક્રમ તૈયાર છે. આ કાર્યક્રમ હેઠળ, તેમને પોતાનો ધંધો કે નોકરી શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ, ખેતી કે નાના વ્યવસાય જેવા કૌશલ્યોની તાલીમ આપીને સક્ષમ બનાવાશે. તેમના અને તેમના પરિવારના જીવનને જોખમથી બચાવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેમના બાળકોને શિક્ષણ માટે શાળાએ મોકલવાની વ્યવસ્થા કરાશે.
અગાઉ સરેન્ડર કરનારા ઘણા નક્સલવાદીઓ હાલમાં સુખી જીવન જીવી રહ્યા છે. આ રીતે, આ કાર્યક્રમ નક્સલવાદને મૂળમાંથી ખતમ કરવાનું એક શક્તિશાળી હથિયાર સાબિત થઈ રહ્યો છે.