મણિપુરમાં ફરી સ્થિતિ બેકાબૂ! કાંગપોકલીમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ, બેના મોત, બંધનું કરાયું એલાન
કાંગપોકપી જિલ્લાના હારોથેલી અને કોબ્શા ગામમાં ફાયરિંગની ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી
ઘટનાસ્થળે વધારાનો કાફલો ખડકાયો, COTUએ કુકી-જો સમુદાય પર કારણ વગરના હુમલાની નિંદા કરી
Updated: Nov 20th, 2023
ઈમ્ફાલ, તા.20 નવેમ્બર-2023, સોમવાર
મણિપુરમાં ફરી હિંસા (Manipur Violence)ની ઘટના સામે આવી છે. રાજ્યમાં ત્રીજી મેથી શરૂ થયેલી હિંસા બાદ છાશવારે છમકલા સહિતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે કાંગપોકપી (Kangpokpi) જિલ્લામાં બે જૂથો દ્વારા ભારે ઘર્ષણ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અહીં બે જૂથો વચ્ચે આડેધળ ફાયરિંગ થયું છે, જેમાં 2 લોકોના મોત થયા છે. કાંગપોકલી જિલ્લાના હારોથેલી અને કોબ્શા ગામમાં ફાયરિંગની ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણર ત્યાં પહોંચી ગયો છે અને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દરમિયાન હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, જેમાં હાલ ઘર્ષણ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.
કુકી-જો સમુદાયના લોકો પર કારણ વગર હુમલો
એક આદિવાસી સંગઠને દાવો કર્યો છે કે, કુકી-જો સમુદાયના લોકો પર કારણ વગર હુમલો કરવામાં આવી રહ્યો છે અને જિલ્લામાં બંધ જાહેર કરાયું છે. પૂર્વોત્તર રાજ્યમાં મે મહિનાની શરૂઆતમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે જાતિય હિંસા શરૂ થયા બાદ આ વિસ્તારોમાં ઘણીવાર ફાયરિંગની ઘટના બનતી રહે છે. ઉપરાંત ગ્રામીણ વચ્ચો અવાર-નવાર ઘર્ષણ પણ થતા રહે છે.
પોલીસનો કાફલો ખડકાયો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં વધારાનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવા શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. તો બીજીતરફ કાંગપોકલીની કમિટી ઓન ટ્રાઈબલ યૂનિટી (COTU) કુકી-જો સમુદાય પર અકારણ હુમલાની નિંદા કરી જિલ્લામાં ઈમરજન્સી બંધનું એલાન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં ત્રીજી મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે.