India

ભારત-પાકિસ્તાન યુદ્ધઃ 1971માં ઈરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરી હતી

By GS TEAM
25 Jun 20254 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભડકેલા યુદ્ધે વિરામ લીધો એ અગાઉ અમેરિકાએ ઈરાનની પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા હતા, જે બદલ પાકિસ્તાને અમેરિકાની સખત ટીકા કરી હતી. આ એ જ પાકિસ્તાન છે જે હજુ થોડા દિવસો પહેલાં ભારત-પાકિસ્તાન મડાગાંઠમાં ‘નિર્ણાયક રાજદ્વારી ભૂમિકા’ ભજવવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટેની ભલામણ કરી રહ્યું હતું. તળિયા વગરના લોટા જેવા પાકિસ્તાનના આ યુ-ટર્નની વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે અને અમેરિકા ઈરાનનું દુશ્મન બની બેઠું છે, ત્યારે યાદ આવે છે ઈતિહાસનું એ પ્રકરણ જ્યારે ઈરાન અમેરિકાનું બગલબચ્ચું હતું અને 1971 ના યુદ્ધમાં અમેરિકાના ઈશારે ઈરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-પાકિસ્તાન યુદ્ધઃ 1971માં ઈરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરી હતી
AI Image 

1971 India Pakistan War:  મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભડકેલા યુદ્ધે વિરામ લીધો એ અગાઉ અમેરિકાએ ઈરાનની પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા હતા, જે બદલ પાકિસ્તાને અમેરિકાની સખત ટીકા કરી હતી. આ એ જ પાકિસ્તાન છે જે હજુ થોડા દિવસો પહેલાં ભારત-પાકિસ્તાન મડાગાંઠમાં ‘નિર્ણાયક રાજદ્વારી ભૂમિકા’ ભજવવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટેની ભલામણ કરી રહ્યું હતું. તળિયા વગરના લોટા જેવા પાકિસ્તાનના આ યુ-ટર્નની વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે અને અમેરિકા ઈરાનનું દુશ્મન બની બેઠું છે, ત્યારે યાદ આવે છે ઈતિહાસનું એ પ્રકરણ જ્યારે ઈરાન અમેરિકાનું બગલબચ્ચું હતું અને 1971 ના યુદ્ધમાં અમેરિકાના ઈશારે ઈરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરી હતી. 

આ પણ વાંચો: ભારતીય એન્જિનિયરે ચોરેલા સિક્રેટ્સની મદદથી ચીન બનાવી રહ્યું છે ઘાતક બોમ્બવર્ષક વિમાન?

ભારતે પાકિસ્તાનના બળતણના મોટા જથ્થાને ફૂંકી માર્યું હતું

અમેરિકાના ડિક્લાસિફાઈડ દસ્તાવેજો દર્શાવે છે કે, 1971 માં યુદ્ધ દરમિયાન ભારત પાકિસ્તાનને પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે બરાબરનું ખોખરું કરી રહ્યું હતું. પાકિસ્તાને તેના કરાચી બંદરે મોટાભાગના બળતણનો સંગ્રહ કરી રાખ્યો હતો, જેનો ભારતે નાશ કરી દીધો હતો. બળતણ વગર તો યુદ્ધ કઈ રીતે લડી શકાય? એટલે અમેરિકાને ચિંતા થઈ ગઈ હતી કે જો પાકિસ્તાનને તાત્કાલિક બળતણનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો પાકિસ્તાન ભારતને વધુ લડત નહીં આપી શકે અને ભારતના લશ્કરી દબાણ હેઠળ પાકિસ્તાન પડી ભાંગશે. તેથી તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજરે આ મુદ્દે ઈરાનની મદદ માંગી હતી.

ભારતને ચારેતરફથી ઘેરવાનું કાવતરું અમેરિકાએ ઘડ્યું હતું

પાકિસ્તાનનો પડોશી દેશ ઈરાન પાકિસ્તાનને ઝડપથી બળતણ પુરવઠો મોકલી શકે એમ હોવાથી અમેરિકાએ એ માટે ઈરાનને વિનંતી કરી હતી. ફક્ત બળતણ જ નહીં, અમેરિકા તો પાકિસ્તાન જે ચાહે એ તમામ મદદ આપવા તૈયાર હતું. નિક્સન અને કિસિંજરે તો એ સંભાવના પણ વિચારી જોઈ હતી કે, ચીન પાસે ભારત પર હુમલો કરાવીને ભારતને ઉત્તર-પૂર્વી મોરચે યુદ્ધમાં ઘેરી લેવાય, જેથી પાકિસ્તાન સામે લડવામાં ભારત નબળું પડે. 

નિક્સન-ઈન્દિરાને જરાય નહોતું બનતું

રશિયા સાથેના કોલ્ડ વૉર દરમિયાન અમેરિકાનું વલણ કોઈપણ દેશ બાબતે એવું હતું કે, ‘ક્યાં તો તમે અમારા પક્ષમાં છો અથવા તો અમારા દુશ્મન છો.’ ભારતે અમેરિકાને ટેકો ન આપ્યો હોવાથી રિચર્ડ નિક્સનને ભારત પર ખાર હતો, જેને લીધે તેમને ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે પણ નહોતું બનતું. ભારતના વડાપ્રધાન અમેરિકાની અનુકૂળતા મુજબ ન વર્તતા નિક્સને તો તમામ હદ વટાવીને ઈન્દિરા ગાંધી માટે ‘બીચ’ જેવો અપશબ્દ પણ ઉચ્ચાર્યો હતો. તેમણે ભારતીય પ્રજા માટે પણ નિમ્ન સ્તરનો શબ્દ વાપર્યો હતો. આમ, અંગત અદાવતને લીધે પણ નિક્સન ચાહતા હતા કે પાકિસ્તાન સામે ભારત યુદ્ધ હારે.  

અમેરિકાએ સ્વખર્ચે પાકિસ્તાનની મદદ કરેલી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના હિસ્ટોરિયન કાર્યાલયના વોલ્યુમ 11 માં જણાવાવામાં આવ્યું છે કે, ભારતે પાકિસ્તાનની સપ્લાય ચેઈન કાપી નાખતાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. મદદ માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને યુએસ રાષ્ટ્રપતિ નિક્સનને ફોન કર્યો હતો. નિક્સને અને કિસિંજરે પાકિસ્તાનને મદદ મોકલવા માટે ઈરાનને વિનંતી કરી હતી અને એ બદલ ઈરાનને પૂરેપૂરું વળતર આપવાની તૈયારી બતાવી હતી. 

આ પણ વાંચો: લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું...', કટોકટીના 50 વર્ષ પૂરા થવા અંગે PM મોદીનું નિવેદન

ઈરાને પાકિસ્તાનને શેની-શેની મદદ કરેલી?

પાકિસ્તાનને યુદ્ધ સામગ્રી પૂરી પાડવાનો તમામ ખર્ચ અમેરિકા આપવાનું હોવાથી ઈરાન આ કામ માટે તૈયાર થયું હતું. પાકિસ્તાને 8-10 નંગ F-104 ફાઈટર પ્લેનની માંગ કરી હતી, જે એને આપવામાં આવ્યા. એ ઉપરાંત તેને F-86 અને F-5 ફાઈટર જેટ તથા JP-4 જેટ ઇંધણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઈરાને આ સહાય ખૂબ જ ગુપ્ત રીતે અને ઝડપથી મોકલી હતી. એવો પણ દાવો કરવામાં આવે છે કે, પાકિસ્તાન પાસે ફાઈટર જેટ ઉડાવી શકે એવા પાઈલટ્સની કમી હોવાથી કેટલાક ઈરાની પાઈલટ્સ પણ પાકિસ્તાની વાયુસેના તરફથી લડવા માટે યુદ્ધમાં ઉતર્યા હતા.

અમેરિકાની મેલી મુરાદ બર નહોતી આવી

ઈરાનને ખભે બંદૂક મૂકીને ભારતનું નિશાન લેવાની અમેરિકાના સોગઠા નિષ્ફળ ગયા હતા. ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને અભૂતપૂર્વ ફટકો માર્યો. ‘એક ઘા ને બે કટકા’ને ન્યાયે પાકિસ્તાનની પૂર્વ પાંખ અલગ કરીને નવા દેશ બાંગ્લાદેશનું સર્જન કર્યું અને એ રીતે અમેરિકાની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું હતું. નવાઈ લાગે એવી વાત એ છે કે જે ઈરાન ક્યારેક અમેરિકાનું બગલબચ્ચું હતું એ જ ઈરાન હાલમાં અમેરિકાનું દુશ્મન બની બેઠું છે.