| (IMAGE - ENVATO) |
Medicine Samples Fail: ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન(CDSCO)એ ડિસેમ્બર 2025ના અહેવાલમાં આ દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી'(NSQ) જાહેર કરીને લોકોને સાવધ કર્યા છે.
74 સેમ્પલ કેન્દ્રીય લેબમાં ફેલ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 167 અસુરક્ષિત દવાઓમાંથી 74 સેમ્પલ કેન્દ્રીય ડ્રગ્સ એજન્સી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે 93 સેમ્પલ વિવિધ રાજ્યોની ઓથોરિટી દ્વારા લેવામાં આવેલા ટેસ્ટમાં નબળા જણાયા છે. આ દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી'(NSQ) જાહેર કરવામાં આવી છે.
નકલી દવાઓનું મોટું નેટવર્ક
તપાસ દરમિયાન માત્ર હલકી ગુણવત્તા જ નહીં, પરંતુ ગંભીર પ્રકારની નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ સામે આવ્યું છે. ઉત્તર ભારતની ગાઝિયાબાદ લેબમાં 4 નકલી સેમ્પલ મળી આવ્યા બાદ ગુજરાતના અમદાવાદ(FDA) સહિત બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ નકલી અને નબળી ગુણવત્તાની દવાઓના પુરાવા મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ દવાઓ બજારમાં પ્રચલિત અને જાણીતી બ્રાન્ડ્સના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી, જે સીધી રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે. હાલમાં આ મામલે સત્તાધીશો દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત
શું ગભરાવાની જરૂર છે?
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ એક નિયમિત ક્વોલિટી ચેક છે. જે બેચ(Batch)ના સેમ્પલ લેવામાં આવ્યા હતા, માત્ર તે જ બેચ ફેલ થઈ છે. તેનો અર્થ એ નથી કે બજારમાં ઉપલબ્ધ તે નામની તમામ દવાઓ ખરાબ છે. જોકે, ગ્રાહકોએ દવા ખરીદતી વખતે અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
લેવાશે કડક પગલાં
CDSCO દર મહિને આવા લિસ્ટ જાહેર કરે છે જેથી નકલી અને હલકી ગુણવત્તાની દવાઓને બજારમાંથી હટાવી શકાય. આ વખતે પકડાયેલી દવાઓ બનાવતી બિનઅધિકૃત સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



