Get The App

હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત 1 - image

- આગલા વર્ષ કરતા જંગલની આગની  સંખ્યામાં ભારે વધારો

- હિમશીલાઓ ઝડપથી પીગળવાથી આગામી વર્ષોમાં દુર્ઘટનાઓ અને પર્યાવરણીય જોખમનું પ્રમાણ વધી શકે 

- બરફની ઘટતું આવરણ અને સૂકી માટી સાથે વનનો જ્વલનશીલ કચરો શિયાળામાં પણ આગનું કારણ બની રહ્યા છે

નવી દિલ્હી : ભારતની મોસમી અપેક્ષાઓ પ્રભાવિત થઈ રહી છે કારણ કે પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમ્યાન બરફવર્ષાની બદલે હવે લગાતાર જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરના જંગલોમાં એવા મહિનાઓમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી છે, જે પારંપરિક રીતે હિમપાત માટે પ્રસિદ્ધ હતા. સેટેલાઈટ આધારીત વિશ્લેષણ અનુસાર ૨૦૨૪-૨૫ની સખામણીએ શિયાળામાં જંગલની આગની ઘટનાઓમાં છ હજારથી વધુનો વધારો થયો છે, જે દર્શાવે છે કે આ પૃવત્તિ હવે કોઈ અપવાદ નહિ, પણ અસામાન્ય રૂપે શુષ્ક શિયાળાથી પ્રેરિત વ્યાપક પારિસ્થિતિક ફેરફારનો હિસ્સો બની ચુકી છે.

સેટિનલ સેટેલાઈટ ડાટાથી પ્રાપ્ત તસવીરોથી જાણકારી મળી છે કે બરફના આવરણમાં થતા ઘટાડા સાથે જ હિમાચલ પ્રદેશની કુલ્લુ ઘાટી જેવા ક્ષેત્રોમાં આગની ઘટનાની તીવ્રતા વધી છે. આવી જ પેટર્ન કશ્મીર અને પીર પંજાલ પર્વતમાળામાં પણ જોવા મળી છે, જ્યાં સુકી માટી અને અત્યાધિક જ્વલનશીલ વન કચરાને કારણે મોટા પાયે આગ ભડકી છે. વિશેષજ્ઞાોના જણાવ્યા અનુસાર હિમપાત અને વરસાદની લગભગ અનુપસ્થિતિએ જંગલોનો ભેજ છીનવી લીધો, જેના કારણે શિયાળામાં આ સ્થળો આગ સામે અતિશય સંવેદનશીલ બની ગયા.

દીર્ઘકાલીન સેટેલાઈટ અવલોકન દર્શાવે છે કે આગલા છ વર્ષોમાં પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમ્યાન બરફનું આવરણ લગાતાર ઘટતું રહ્યું છે. અભ્યાસથી જાણકારી મળી છે કે ૧૯૯૦ પછીથી ઉત્તરાખંડના ગોરી ગંગા જલગ્રહણ ક્ષેત્રમાં ૫૨૦ મીટરની વૃદ્ધિ સહિત હિમરેખાઓ ધીમે ધીમે ઉપરની તરફ ખસી રહી છે. એવરેસ્ટ ક્ષેત્રથી પ્રાપ્ત નાસાના ડાટા  પણ આ ટ્રેન્ડની પુષ્ટી કરે છે,જ્યાં શિયાળાના ચરમ મહિનાઓમાં પણ બરફ ઝડપથી પાછો હટી રહ્યો છે, જે સંકેત આપે છે કે નીચાણવાળા વિસ્તારો હવે બરફ ટકાવી શકવા સમર્થ નથી.

મોસમ સંબંધિત આંકડા પણ આ નિષ્કર્ષોની પુષ્ટી કરે છે, જેનાથી વિશેષ રૂપે ઉત્તરાખંડમાં શિયાળાની વર્ષામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. વિશેષજ્ઞાોએ ચેતવણી આપી છે કે ઘટતી બરફવર્ષાને કારણે હિમશિલાઓ પર પણ ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે અને તે નકારાત્મક સમૂહ સંતુલનમાં ધકેલાઈ શકે છે. હિમશિલાઓ ઝડપથી પીગળવાથી સુપ્રાગ્લેશિયલ તળાવોનો વિસ્તાર વધી શકે છે જેનાથી દીર્ઘકાલિક પર્યાવરણીય જોખમ અને દુર્ઘટનાઓ વધી શકે છે. એકંદરે, આ ઘટનાક્રમ એ વાતને ઉજાગર કરે છે કે જળવાયુ પરિવર્તન કેવી રીતે દૂરગામી પરિણામો સાથે હિમાલયી શિયાળાને નવો આકાર આપી રહ્યું છે.

વિશેષજ્ઞાોના મતે આ  જળવાયુ સંકટ માત્ર જંગલની આગ સુધી સીમિત નથી, પણ તે પાણીની સુરક્ષા, કૃષિ, જૈવ વિવિધતા અને લાખો લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે બરફવર્ષા અને વરસાદની આવી જ પેટર્ન રહેશે તો હિમાલયનું પરિસ્થિતિજન્ય તંત્ર સમગ્રપણે બદલાઈ જશે.