125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા

125 Indians Rescued In Myanmar: થાઈલેન્ડમાં ફસાયેલા કુલ 125 ભારતીય નાગરિકોને ભારતીય વાયુસેના (IAF)ના ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. આ નાગરિકો મ્યાનમારના કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાંથી કોઈક રીતે ફરાર થઈને થાઈલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક અધિકારીઓએ તેમની અટકાયત કરી હતી.
બચાવ કામગીરી અને દૂતાવાસનો પ્રયાસ
ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર, આ બધા લોકો મ્યાનમારના સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયેલા હતા. ત્યાંથી ભાગી નીકળ્યા બાદ થાઈલેન્ડ પહોંચતા તેમને સ્થાનિક અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. દક્ષિણપૂર્વ એશિયામાં કાર્યરત ઠગાઈ કેન્દ્રોમાં ફસાયેલા ભારતીયોનું સુરક્ષિત વાપસી ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
આ મિશનના ભાગ રૂપે, બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં ભારતીય કોન્સ્યુલેટે થાઈ વહીવટીતંત્ર, ટાક પ્રાંતીય એજન્સીઓ અને સુરક્ષા વિભાગો સાથે સતત સંકલન કરીને આ બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઠગાઈ કેન્દ્રો પર દરોડા અને ચેતવણી
તાજેતરમાં મ્યાનમારના મ્યાવાડી વિસ્તારમાં આવેલા ઠગાઈ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના પગલે ઘણા ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને સ્વદેશ લાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા એક દિવસ પૂર્વે જ 11 મહિલાઓ સહિત 269 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે 'X' પર પોસ્ટ કરીને વિદેશમાં નોકરીની છેતરપિંડીભરી ઓફરનો શિકાર ન બનવા માટે ભારતીય નાગરિકોને ચેતવણી આપી હતી. જેમાં લખ્યું, 'વિદેશમાં નોકરી સ્વીકારતા પહેલા નોકરીદાતાઓ અને ભરતી એજન્સીઓના ઓળખપત્રો અને ટ્રેક રેકોર્ડની ચકાસણી કરવી જરૂરી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ ફક્ત પ્રવાસન અને ટૂંકા ગાળાના વ્યવસાયિક હેતુઓ માટે છે, રોજગાર માટે નહીં.'

