દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત

Accident on Delhi-Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સતત બીજા દિવસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ષ્મીપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
સુરતના બે રહેવાસીના મોત, બે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 1. મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી (ઉંમર 27, રહે, કતારગામ સુરત) 2. અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર 48, રહે. નીલકંઠ એવન્યુ, સુરત)નુ& ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 1. પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે અમરોલી, સુરત) 2. ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (વેલેન્ઝા, ઉમરા, સુરત) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો સુરત શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઈકને ફંગોળી, બે સગા ભાઈ સહિત ત્રણના મોત
બુધવારે પણ બે મજૂરોના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માત્ર એક દિવસ અગાઉ એટલે કે બુધવારે પણ મોટો અકસ્માત થયો હતો. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે સરસવણી ગામ પાસે રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરો પર એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ફરી વળી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થતાં તેમના મોત થયા હતા. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોએ હાઇવેની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

