નર્મદા: એકતા દિવસે SOU ખાતે સતત ત્રીજી વાર ગૂંજશે આદિવાસી બાળકોનું બેન્ડ, 6 વર્ષની કઠોર તાલીમ બાદ મેળવી સિદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National Unity Day 2026: નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાર્મિક અને પ્રાકૃતિક ધામ અંબાજીની પહાડીઓમાં વસતા આદિવાસી બાળકો આજે દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યા છે. 'શ્રી શક્તિ સેવા કેન્દ્ર' (SSSK) અંબાજી અને તેના અથાક માર્ગદર્શક નિતિન પરમારના નેતૃત્વમાં છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલું આ ભગીરથ કાર્ય હવે વટવૃક્ષ બની ચૂક્યું છે.

બાળકોએ 6 વર્ષની કઠોર તાલીમ અને શિસ્તથી દેશભરમાં ડંકો વગાડ્યો
'ભીખ નહીં, શિક્ષણ'ના મૂળમંત્ર સાથે શરૂ થયેલી આ યાત્રાએ ક્યારેક બાલમજૂરી કરવા મજબૂર બાળકોના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે.
અંબાજીના વંચિત આદિવાસી સમુદાયના 14થી 16 વર્ષની વયના 25 બાળકોને ‘બેગપાઇપર બેન્ડ’નું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષથી શિસ્ત, નિષ્ઠા અને રિયાઝ સાથે આ બાળકો વિવિધ બેન્ડ સ્પર્ધાઓમાં પોતાની કળાનું પ્રદર્શન કરતા આવ્યા છે. સંગીત અને શિસ્તના આ મિશ્રણે બાળકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમ વર્કના અદભુત સંસ્કારોનું સિંચન કર્યું છે.

આ બાળકોના કઠોર પરિશ્રમ અને સંસ્થાના સમર્પણનું સૌથી મોટું પરિણામ એ છે કે આ વર્ષે ગુજરાતના એકતાનગર ખાતે આવેલી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની પવિત્ર ભૂમિ પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ (31મી ઓક્ટોબર)ની ઉજવણીમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ‘એકતા પરેડ’માં આ બાળકો સતત ત્રીજી વખત પોતાનું બેગપાઇપર બેન્ડ પ્રદર્શન આપવા જઈ રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં બેન્ડના બાળકોનું રિહર્સલ
હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આ 25 આદિવાસી બાળકો ખૂબ જ ઉત્સાહ અને શિસ્ત સાથે ગ્રાઉન્ડ પર રિહર્સલ કરી રહ્યા છે. બેન્ડના સૂર જ્યારે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની છાયામાં ગુંજી ઉઠે છે, ત્યારે સમગ્ર એકતાનગર પરિસર દેશભક્તિના માહોલથી ઝૂમી ઉઠે છે.




