Get The App

ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા દૂર, નર્મદા ડેમ 99 ટકા ભરાયો, નીચાણવાળા ગામડાંને એલર્ટ કરાયા

Updated: Sep 29th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા દૂર, નર્મદા ડેમ 99 ટકા ભરાયો, નીચાણવાળા ગામડાંને એલર્ટ કરાયા 1 - image


Water Level of Narmada Dam In Gujarat: ભારે વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 122 ડેમ તો સંપૂર્ણપણે ભરાઇ ચૂક્યા છે. નર્મદા ડેમની જળસપાટી પણ તેજ ગતિએ વધી રહી છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમ 99 ટકા ભરાઈ ગયો છે. આ જોતાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહી રહે. જો કે, ઉત્તર ગુજરાતના ડેમો હજુ ભરાયા નથી. ગુજરાતમાં હાલ બધાં ડેમમાં કુલ મળીને 93.09 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. 

રાજ્યમાં 158 ડેમ હાઈ એલર્ટ પર 

આ વર્ષે મેઘરાજાની ગુજરાત પર મહેર વરસી છે. નર્મદા ડેમની જળસપાટી 138 મિટરે પહોંચી છે. ઉપરવાસમાંથી પાણી આવતાં ડેમની જળસપાટી ધીરે ધીરે વધી રહી છે. હાલ નર્મદા ડેમમાં 1.91 લાખ ક્યૂસેક પાણીની આવક છે, જેના પગલે 1.15 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાણી છોડવાને પગલે નર્મદા અને ભરુચના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. અત્યારે નર્મદા ડેમ 99 ટકા ભરાઇ ચૂક્યો છે. અત્યારે રાજ્યમાં 158 ડેમ હાઈ એલર્ટ પર છે.જ્યારે  13 ડેમ એલર્ટ પર અને 8 ડેમ વોર્નિંગ પર મૂકાયા છે. 

કચ્છમાં 20 ડેમ પૈકી 10 ડેમ ભરાઇ ચૂક્યા છે. આ ડેમમાં 85.93 ટકા જળસંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાંથી 90 ડેમ છલકાયાં છે. આ ડેમમાં 90.61 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 19 ડેમમાથી 10 ડેમ ભરાયા છે. અહીં 98.27 ટકા પાણી છે. 

ઉત્તર ગુજરાતના 15 ડેમોમાંથી માત્ર 3 ડેમ જ ભરાયાં

દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમ પૈકી 9 ડેમ સંપૂર્ણપણે ભરાયાં છે. આ ડેમમાં 97.63 ટકા પાણી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં હજુય પાણીની અછત હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. કારમે કે, દાંતીવાડા ડેમમાં 50 ટકા ય પાણી નથી. જ્યારે સીપુ ડેમમાં તો 11 ટકા જ પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના ડેમોની એવી સ્થિતી છે કે, કુલ 15 ડેમોમાંથી માત્ર 3 ડેમ જ ભરાયાં છે.

ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા દૂર, નર્મદા ડેમ 99 ટકા ભરાયો, નીચાણવાળા ગામડાંને એલર્ટ કરાયા 2 - image

Tags :