વડોદરાની વ્યક્તિની ગરૂડેશ્વરની જમીન બારોબાર વેચી દેવાઈ
-બોગસ જમીન માલિક ઉભો કરી બે વેચાણ દસ્તાવેજ કરી વેચી મારવાના કારસામાં છ આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ
રાજપીપળા, તા.17 ડિસેમ્બર 2019 મંગળવાર
વડોદરાના પ્રોડક્ટિવીટી રોડ પરની આનંદનગર સોસાયટીના રહીશ જ્યોતીન્દ્ર શાંતિલાલ પટેલની ગરૃડેશ્વર તાલુકાના બખ્ખર ગામે આવેલ જમીન તેની જાણ બહાર બોગસ દસ્તાવેજોના આધારે વેચી મારવાના કારસાનો પર્દાફાશ થતાં કુલ છ આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાના નિર્માણના પગલે નાંદોદ અને ગરૃડેશ્વર તાલુકાની ખેતી અને અન્ય જમીનોના ભાવો આસમાને પહોંચ્યાં છે .વડોદરાની એક વ્યક્તિની ગરૃડેશ્વર તાલુકાના લખર ગામે આવેલી જમીન તેની જાણ બહાર બારોબાર વેચી દેવાનાં કારસોનો પર્દાફાશ થતાં આ મામલે ગરૃડેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
વડોદરાના આનંદનગર સોસાયટી પ્રોડક્ટિવીટી રોડ ખાતે રહેતા પટેલ જ્યોતિન્દ્ર શાંતિલાલની ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે આવેલી જમીન જમીન જ્યોતિન્દ્ર પટેલ નામની કોઇ બોગસ વ્યક્તિ ઉભી કરીને તેના નામની ખોટી સહી કરી ખોટો ફોટો ચોટાંડી આ જમીનના બે અલગ અલગ વેચાણ દસ્તાવેજ કરી લઇને ગરૂડેશ્વર ના કાંન્તીલાલ રામસ્વરૂપ અગ્રવાલે તે વેચી મારી હતી.
જેઓ વસાવા રામસીંગ તરોપા, પંડયા મનોજ, વસાવા ભદ્રેશ અને વસાવા સોમાભાઇ આ પાંચ સાક્ષીએ સહીઓ કરી છે. આમ કુલ છ ઇસમો વિરૂધ્ધ ગરૂડેશ્વર પોલીસ મથકે ખોટા વેચાણ દસ્તાવેજમાં સહીઓ કરી એક બીજા ને મદદ ગારી કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ જ્યોતિન્દ્ર પટેલ ગરૂડેશ્વર પોલીસ મથકે નોંધાવી છે.