મોટા કાકડીઆંબા ગામે બે કાચા મકાનોમાં આગઃ3 વ્યક્તિ દાઝ્યા
-આગ ઉપર કાબૂ મેળવવા ફાયર ફાઇટરની માંગ
સાગબારા તા.29 ફેબ્રુઆરી 2020 શનિવાર
સાગબારા તાલુકાનાં મોટા કાકડીઆંબા ગામે ગઇકાલે લાગેલી આગમાં બે કાચા મકાનો સળગીને ખાક થઈ ગયા હતા.
સાગબારા તાલુકાનાં મોટા કાકડીઆંબા ગામે ગઇકાલે લાગેલી આગમાં બે કાચા મકાનો સળગીને ખાક થઈ ગયા હતા.મોટા કાકડીઆંબા ગામે લાગેલી આગમાં નાજાબેન મનજીભાઇ વસાવા અને જીતેન્દ્ર મનજીભાઇ વસાવાના કાચા ઘરો આગની લપેટમાં આવી જઇ સળગીને ખાક થઈ જતાં ઘર ની તમામ ઘરવખરી સળગી ગઇ હતી. આગ લાગી તેની જાણ થતાં ગામ લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ તે નાકામ રહેતા મકાનો સળગીને ખાક થઈ ગયા હતા .
આગની જાણ ગ્રામ પંચાયત મોટા કાકડીઆબા દ્વારા સાગબારા તાલુકા વિકાસ અધિકારીને કરાઇ છે.આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરને સળગતા બચાવવા જતાં ત્રણ વ્યક્તિ દાઝયા હતા.
જેને સાગબારા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. સાગબારા વિસ્તારમાં અગ્નિસામક દળની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી છાશવારે બનતા આવા બનાવોમાં હોવાથી ફાયર ફાઇટરની સુવિધા આપવા માંગ થવા પામી છે.