સરદાર પ્રતિમાના પાર્કીંગ વિસ્તારમાં દીપડાે દેખાતા ભયનો માહોલ
-બે દિવસ પહેલા સાંજે કેવડિયા હેલીપેડ ખાતે દીપડો રોડ ઓળંગતો જોવા મળ્યો હતો
કેવડિયા કોલોની તા.24 ડિસેમ્બર 2019 મંગળવાર
સરદાર પ્રતિમાના સ્થળ કેવડિયા ખાતે આવેલી પી.આર.ઓ. નજીકના પાર્કીગ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા મોર્નિગ વોક માટે નિકળેલા પ્રજાજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અગાઉ થોડા દિવસ પહેલા કેવડિયા કોલોનીથી સાત કિ.મી દુર આમદલા ગામ ખાતે સમી સાંજે દીપડાએ દેખા દેતાં આખા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને બે ત્રણ દિવસ પહેલા સાંજના સમયે કેવડિયા હેલીપેડ ખાતે દીપડો રોડ ઓળંગતો જોવા મળ્યો હતો.
દીપડો સામાન્ય રીતે જંગલમાં જ વસતું પ્રાણી છે. પરંતુ સરદાર પ્રતિમાને લીધે પ્રવાસીઓને આકર્ષવા અવનવા પ્રોજેકટ વહીવટીતંત્ર ઉભા કરી રહ્યું છે. તેનાં લીધે જંગલોનો નાશ કરી તેને બોડા કરી દેવામાં આવતાં દીપડા ખોરાકની શોધમાં રહેઠાણ વિસ્તાર તરફ આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં શિયાળો ધીમે ધીમે જામી રહયો છે ત્યારે વહેલી સવારે કસરત માટે તેમજ ચાલવા જતાં પ્રજાજનોમાં દીપડો જોવા મળતાં ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ કેવડિયામાં કોઈ દિવસે કે રાત્રે દિપડો જોવા મળ્યો નથી. લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે સફારી પાર્કમાં શરૃઆતમાં દીપડો લાવવામાં આવ્યો હતો. તે ત્યાંથી વાડ કુદી ભાગી ગયો હતો.
એ જ દીપડો આ હોય તેવું લાગી રહ્યું છે તો વન વિભાગ આ જે દિપડો હોય તેને વહેલી તકે પકડવાની કવાયત હાથ ધરે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યાં છે. બીજી બાજુ સરદાર પ્રતિમાના મહત્વનો પ્રોજેકટ સફારી પાર્કને લોકાર્પણ માટે તેની અધૂરી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે કામગીરીને કારણે આ દીપડો પકડવાની કાર્યવાહીમાં વિલંબ થાય તો નવાઈ નહી જેમ બને તેમ ઝડપથી રહેણાંક વિસ્તારમાં ફરી રહેલા દીપડાને વન વિભાગ પકડી પાડે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યાં છે.