દેડિયાપાડાની પાંચ રેન્જમાં મનરેગા અન્વયે 10 હજારથી વધુ શ્રમિકોને રોજી
-ચેકડેમ, તળાવો ઊંડા કરવા, વન તળાવડીઓ બનાવવી, સાગ અને વાંસની નર્સરીમાં સંવર્ધન પ્રવૃત્તિમાં 35.62 લાખની ચૂકવણી
દેડિયાપાડા તા.10 જુન 2020 બુધવાર
દેડિયાપાડા તાલુકાની પાંચ રેન્જમાં સુમારે 10 હજાર શ્રમિકોને મનરેગા હેઠળનો વિવિધ કામો માટે રૂ.35.62 લાખથી વધુ ચૂકવણુ કરાયું છે.
દેડિયાપાડા, ઓરાપાડા, પીપલોદ, ફુલસર અને સગાઇ રેન્જમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા વન તલાવડીઓ બનાવવી, સાગ અને વાંસની નર્સરીઓ સંવર્ધન પ્રવૃત્તિ વિગેરે કામગીરી મનરેગા હેઠળ હાથ ધરાતાં કોરોના પ્રકોપના કારણે રોજગારી વિના બેસી રહેલા આદિવાસીઓને ઘણી રાહત થઇ હતી. સગાઇ રેન્જમાં સાત તળાવ ઊંડા કરાઇ રહ્યાં છે.
દેડિયાપાડા રેન્જમાં વનતળાવ ઊંડા કરવા, ચેકડેમો ઉંડા કરવાનાં કામોમાં 4977 શ્રમિક રોકાયા હતા જેમને રૂ.8,87,701 ની રોજગારી પૂરી પડાઈ છે.
સોરખાડા રેન્જમાં કુવબાર, મોસીર, મોમલપાડા વિસ્તારનાં ચેકડેમ ઉંડા કરવાની અને વન તલાવડીઓ ઊંડી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 8000 શ્રમિકોને રૂ.18 લાખની રોજગારી અપાઇ હતી. આ ઉપરાંત સાગ અને વાંસના સંવર્ધનની કામગીરીમાં તેઓ રોકાયેલા રહ્યાં છે.
ફૂલસર રેન્જમાં વાવ 1,2 કંઝાળ, ફૂલસર, ઝાડોવી 1,2 સહિતના સાત ચેકડેમ ઊંડા કરવાની કામગીરીમાં 1846 શ્રમિકોને રૂ.4,13,504 ની રોજગારી ચૂકવવામાં આવી છે. પીપલોદ રેન્જમાં વન તલાવડીના કામો હાથ ધરી 2058 શ્રમિકોને રૂ.4,60992 ની રોજગારી પૂરી પાડવામાં આવી છ.ે મનરેગાનાં આ કામો કરતા વિસ્તારમાં 32 લાખ લીટર પાણીનો સંગ્રહ થવાની શક્યતા સર્જાઇ છે.ચોમાસા પૂર્વે આદિવાસીઓ જીવનજરૃરી ચીજો ઉપરાંત ખેતી માટે ખાતર દવાની ખરીદી કરવા માંડયા છે.