'AAP ચૈતર વસાવાને હાથો બનાવી રાજકારણ રમે છે': 7 વર્ષની સજા પર સાંસદ મનસુખ વસાવાનો મોટો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mansukh Vasava Attacks AAP: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા , વનકર્મી પર હુમલાના કેસમાં ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના ચુકાદા બાદ રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, 'આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાને માત્ર હાથો બનાવીને ગુજરાતમાં પોતાનું રાજકારણ ચમકાવવા અને પક્ષને મજબૂત કરવાના ગતકડાં કરી રહ્યા છે.'
'કેસ ચાલતો હતો ત્યારે કોઈ સારો વકીલ કેમ ના રાખ્યો?'
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગોપાલ ઇટાલિયા સહિત 'આપ'ની સમગ્ર ટીમ અને દિલ્હીના નેતાઓ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, 'જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં હતો, ત્યારે પક્ષના નેતાઓએ ચૈતર વસાવાની ચિંતા કેમ ના કરી? તે સમયે કોઈ સારો વકીલ કેમ રોકવામાં ન આવ્યો? હવે જ્યારે સજા થઈ ગઈ છે, ત્યારે દિલ્હીના બે અને ગુજરાતના આઠ વકીલો કેસ લડશે તેવી વાતો કરવામાં આવી રહી છે. જો આટલી જ ચિંતા હતી તો આ વકીલો કેસ ચાલતો હતો ત્યારે ક્યાં ગયા હતા?'

ચૈતર વસાવા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા મનસુખ વસાવાએ કહ્યું હતું કે, 'ચૈતર વસાવા સાથે અન્ય નવ લોકોને જેલ થઈ છે અને તેમાં એક નાની બાળકીને પણ સજા ભોગવવી પડી રહી છે, જેનું મને વ્યક્તિગત રીતે ઘણું દુઃખ છે. ચૈતર એક ભોળો માણસ છે, પરંતુ આમ આદમી પાર્ટીના લોકો તેને આગળ ધરીને ખોટો સ્ટન્ટ કરી રહ્યા છે અને જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

ધારાસભ્ય ચૈતર વસાવાની બદલાયેલી રાજકીય દિશા અંગે વાત કરતા સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે, 'ચૈતર વસાવા પોતે આ બધું સારી રીતે સમજે છે. એટલે જ તેઓ સરકારના અને મુખ્યમંત્રીના વખાણ પણ કરતા હતા. તેમના વિસ્તારના કામો થાય છે તે માટે તેઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળતા પણ હતા અને આ વાતનો તેમણે પોતે સ્વીકાર કર્યો હતો. હજુ 15 દિવસ પહેલા જ અમે બંને એક મંચ પર સાથે હતા ત્યારે અમારી વચ્ચે સકારાત્મક વાતો થઈ હતી અને તેઓ પોતાની રીતે આગળ વધી રહ્યા હતા.'
આપ પર આક્ષેપ કરતા સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે, 'જ્યારે ચૈતર વસાવા ખરેખર મુસીબતમાં હતા, ત્યારે આમ આદમી પાર્ટી તેમની વહારે આવી નહોતી. હવે જ્યારે ચુકાદો આવી ગયો છે ત્યારે દિલ્હીના નેતાઓ દોડી આવશે. આ લોકો માત્ર ચૈતર વસાવાના ખભે બંદૂક મૂકીને ગુજરાતમાં આપને મજબૂત કરવા ઈચ્છે છે, તેમને ચૈતર વસાવા કે આદિવાસી સમાજની કોઈ સાચી ચિંતા નથી.'
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ સંકટમાં!
દેડિયાપાડાના 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. નિયમ મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા થતાં સભ્યપદ રદ થઈ શકે છે. હાલ લીગલ વિભાગ રિપોર્ટ તૈયાર કરી રહ્યો છે, જેના આધારે વિધાનસભા અધ્યક્ષ તેમના પદ અંગે આખરી નિર્ણય લેશે.









