શિવસેના અઘાડી સરકારમાંથી નીકળી જવા તૈયાર : રાઉત
મુંબઈ,તા.23 જુન 2022,ગુરૂવાર
રાજકીય ઉથલપાથલ હેઠળ હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે શક્તિપ્રદર્શન કરતી એક પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે શિંદેની શરત સ્વીકારી લીધી છે. રાઉતે જણાવ્યું છે કે એકનાથ શિંદે સાથે ગયેલ ધારાસભ્યોને જે પણ નારાજગી છે તેઓ સામે આવીને કહે.
સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેના એક પક્ષ નહિ પરંતુ પરિવાર છે. શિવસૈનિકો માંગ હોય, શિવસેનાના ધારાસભ્યોની માંગ હોય તો અમે આ મહાવિકાસ અઘાડી સરકારના ગઠબંધનમાંથી નીકળી જવા તૈયાર છીએ.
શિવસેનાના ધારાસભ્યોની જે પણ ઈચ્છા હોય કે ફરિયાદ હોય તે આગામી 24 કલાકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ આવીને રજૂ કરે. આપણે સાથે મળીને દરેક સમસ્યાનું સમાધાન લાવવા તૈયાર છે. જો સમસ્યા આ ગઠબંધનની સરકાર હોય તો સરકારમાંથી પણ શિવસેના પાછી ખસી જવા તૈયાર છે તેમ રાઉતે પ્રેસવાર્તામાં જણાવ્યું હતુ.
રાઉતે કહ્યું કે તમારી દરેક સમસ્યાનું સમાધાન નીકળશે પરંતુ ફરિયાદ સામે આવીને કરો. રાઉત સાથે શિવસેનાના પરત ફરેલ ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે મારૂં અપહરણ કરવામાં આવ્યું હતુ. હું મહામુસીબતે શિંદે સમૂહમાંથી બહાર નીકળીને પરત ફરી શક્યો છું. શિવસેનાના ધારાસભ્યે ગુજરાત પોલિસ પર ફરી આજે બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો.