પોતાના ઘરમાં ટૂવાલ પહેરીને ફરવું એ કોઈ ગુનો નથીઃ અદાલત
4 વર્ષની બાળકીની સતામણીના કેસમાં 50 વર્ષીય પડોશીનોે છૂટકારો
ધૂળેટીના દિવસે બાળકીને પોતાના ઘરમાં લઈ ગયો અને નહાઈને ટૂવાલભેર જ બહાર આવી ગંદી હરકત કરતો હોવાનો આરોપ માતા-પિતાએ મૂક્યો હતો
મુંબઈ : પડોશની ચાર વર્ષની બાળકીની હાજરીમાં પોતાના ઘરમાં ટૂવાલ પહેરીને ઘૂમતા પડોશી સામે બાળકીની જાતીય સતામણીનો કેસ મુંબઈની એક પોક્સો અદાલતે રદ કરી દીધો છે. અદાલતે ઠેરવ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ટૂવાલ પહેરીને ફરે તેથી કોઈ ગુનો બનતો નથી.
અદાલતે વ્યવસાયે ડ્રાઈવર એવા ૫૦ વર્ષીય આરોપીને એમ જણાવીને નિર્દોષ જાહેર કર્યો હતો કે તે પોતાના ઘરમાં ટૂવાલ પહેરીને ફરતો હતો તેમાં તેનો કોઈ જાતીય ઈરાદો હોવાનું છતું થતું નથી.
પોક્સો અદાલતનાં જજ પ્રીતિ કુમારી ઘુલેએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીએ થોડા સમય પહેલાં જ સ્નાન કર્યું હતું અને તે પોતાની કમરે ટૂવાલ વીંટાળીને બહાર નીકળ્યો હતો. આરોપીનો કોઈ જાતીય ઈરાદો હોવાનું જણાતું નથી. એ નોંધવાપાત્ર છે કે આરોપીએ પોતાના જ ઘરમાં કમર ફરતે ટૂવાલ વીટાળી રાખ્યો હતો. તે હજુ નહાઈને બહાર જ આવ્યો હતો એટલે તેણે કોઈ જાતીય ઈરાદાથી માત્ર ટૂવાલ પહેરી રાખ્યો હતો એમ કહી શકાય નહીં.
આરોપી પર બાળકીના પરિવારે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આરોપ અનુસાર ૨૦૧૮ની બીજી માર્ચે ધૂળેટી હતી ત્યારે બપોરે એક વાગ્યાના અરસામાં આ બાળકી હોળી રમી રહી હતી. તે વખતે આરોપી બાળકીને પોતાના ઘરમાં લઈ ગયો હતો.
લાંબા સમય સુધી બાળકી પાછી ન ફરતાં તેના માતા પિતા તેને શોધતાં શોધતાં પડોશીના ઘરે ગયા હતા. ત્યાં તેમણે જોયું હતું કે આરોપીએ માત્ર ટૂવાલ વીંટાળી રાખ્યો હતો અને તે બાળકીને પોતાના શરીરની એકદમ નજીક રાખીને ગંદી હરકત કરી રહ્યો હતો. ત્યારબાદ પરિવારે પાર્કસાઈટ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં પોલીસે બીજા દિવસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ ૨૦૨૦ની ૧૪મી માર્ચ સુધીનો જેલવાસ વેઠવો પડયો હતો.
આરોપીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે આ બાળકી તેને અબ્બા કહીને બોલાવતી હતી અને દરરોજ પોતાની સાથે જ ખાતી હતી. તેના દાવા અનુસાર તેના અને બાળકીના પરિવાર વચ્ચે પાણી જોડાણ કોમન હોવાથી તેમના વચ્ચે અવારનવાર તકરાર થતી હતી અને તેના લીધે બાળકીના પરિવારે તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો.
આ કેસમાં ચાર વર્ષની બાળકી તથા તેની માતાની જુબાની પણ લેવાઈ હતી. માતાએ દાવો કર્યો હતો કે આરોપીના ઘરનો દરવાજો ખૂલ્લો હતો અને તેમણે જોયું હતું કે આરોપીએ પોતાનો ટૂવાલ દૂર કરીને બાળકીની ગરદન પકડી રાખીને ગંદી હરકત કરી હતી. જોકે, અદાલતે જણાવ્યું હતું કે આરોપી એકસાથે ત્રણેય બાબતો કરી શકે નહીં. વધુમાં આ બાળકીએ પોતાની જુબાનીમાં ગંદી હરકતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ફરિયાદ પક્ષ અન્ય કોઈ સ્વતંત્ર સાક્ષી પણ લાવી શક્યો ન હોવાનું અદાલતે નોંધ્યું હતું.
બાળકીને આરોપી સાથે સારું ફાવતું હતું અને તે રોજ સવારે આરોપી સાથે નાસ્તો કરવા તેના ઘરે જતી હતી તે વાતની પણ કોર્ટે નોંધ લીધી હતી. બનાવના દિવસે બાળકી માત્ર ૧૦ મિનીટ માટે આરોપીના ઘરે ગઈ હતી અને ત્યારે તે નહાઈને બહાર નીકળ્યો હતો. ફરિયાદીએ પોલીસને આપેલી ફરિયાદની વિગતોઅનુસાર સુસંગત પુરાવા અદાલતમાં રજૂ કર્યા નથી એમ અદાલતે જણાવ્યું હતું.