FOLLOW US

મુંબઈના પાલક માતાપિતા પાસેથી બાળક લઈ રાજસ્થાનની માતાને પરત કરાયું

Updated: May 26th, 2023


બાળક દત્તક લેવાની ગાઈડલાઈનનું યોગ્ય પાલન કર્યું ન હતું

દીકરીને વિધર્મી પ્રેમી થકી થયેલું બાળક બાપે બારોબાર કોઈને સોંપી દીધું, વાયા દિલ્હી બાળક મુંબઈનાં યુગલ પાસે પહોંચ્યું : રાજસ્થાન હાઈકોર્ટના આદેશથી પરત   

મુંબઈ :  મુંબઈના પાલક માતાપિતા પાસેથી નવ મહિનાનું બાળક રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પગલે રાજસ્થાનમાં તેની મૂળ જન્મદાતા માતાને પરત આપી દેવાયું હતું.  રાજસ્થાનની સગીરાએ વિધર્મી પ્રેમી થકી આ બાળકને જન્મ આપ્યો હતો. તેના પિતા આ સંબંધની વિરુદ્ધ હોવાથી તેમણે બારોબાર કોઈને બાળક આપી દીધું હતું. વાયા વાયા આ બાળક મુંબઈનાં નિઃસંતાન યુગલ પાસે પહોંચ્યું હતું જેમણે બાળક દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના જ બાળકને પોતાની પાસે રાખી ઉછેર કરવા માંડયો હતો. આખરે અદાલતના આદેશથી તેમણે આ બાળકને તેની મૂળ જન્મદાતા માતાને પાછું આપી દીધું છે. 

સગીરાએ બાળકનો કબજો મેળવવા માટે રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ બાળકનો જન્મ થયો ત્યારે દીકરો છે કે દીકરી તેની માહિતી પણ તેને અપાઈન હતી. તેને પોતાનાં જ સંતાનનો ચહેરો પણ જોવા દેવાયો ન હતો. આ બાળક બારોબાર બહાર મોકલી દેવાયું હતું. હવે મને ખબર પડી છે કે એ દીકરી હતી અને મારે મારી દીકરી પાછી જોઈએ છીએ. 

ભીલવાડાની ૧૭ વર્ષીય યુવતીએ ગયા ઓગસ્ટ માસમાં તેના વિધર્મી પ્રેમી થકી આ બાળકને જન્મ આપ્યો હતો. તે ઘર છોડીને તેના પ્રેમી સાથે જતી રહી  હતી. તે ઘરે પાછી ફરી ત્યારે સગર્ભા હતી. 

તેના પિતાને દીકરીનો વિધર્મી યુવતી સાથેનો સંબંધ મંજૂર ન હતો. તેઓ વિધર્મી યુવક થકી થયેલું બાળક પણ દીકરી પાસે રહે તેમ ઈચ્છતા ન હતા. આથી, તેમણે આ બાળક છ જ દિવસનું હતું ત્યારે  ચાઈલ્ડ વેલ્ફર કમિટીની સભ્ય હોવાનો દાવો કરતી એક મહિલાને આપી દીધું હતું. મહિલાએ આ બાળક દિલ્હીની અન્ય એક મહિલાને આપ્યું હતું. આ મહિલાની દીકરી તથા જમાઈ મુંબઈમાં રહેતા ંહતાં. તેઓ નિઃસંતાન હોવાથી આ મહિલાએ બાળક દીકરી જમાઈને ઉછેર માટે સોંપી દીધું હતું. આ યુગલના વકીલે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેમણે બાળક દત્તક લેવાના નિયમો અનુસાર બાળકને દત્તક લીધું નથી અને તેઓ તેની મૂળ માતાને પરત સોંપી દેવા તૈયાર છે. 

આ બાળકની મૂળ માતા એવી યુવતી ૧૮ વર્ષની થઈ ત્યારે તેેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. અદાલતે પોલીસને બાળકને શોધી કાઢવા આદેશ આપ્યો હતો. પોલીસે આ બાળક મુંબઈના યુગલ સુધી પહોંચ્યું હોવાનું પગેરું મેળવી હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે બાળક મૂળ માતાને પરત સોંપવા જણાવ્યું હતું. સાથે સાથે હાઈકોર્ટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય તરીકેના પોતાના દરજ્જાનો દુરુપયોગ કરનારી મહિલા પર પણ પગલાં લેવા પોલીસને આદેશ આપ્યો હતો.


Gujarat
IPL-2023
Magazines